ઉના સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું

0

રૂા.૬૬.૭૫ લાખથી વધુના ખર્ચે મૂકાયેલા વિવિધ અત્યાધુનિક મશીનથી દર્દીઓનું નિદાન અને સારવાર થશે

ઉના ખાતે જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને કલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરાયું હતું. આ તકે, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જન આરોગ્ય અને લોકસુખાકારી માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત હોસ્પિટલમાં જ વિવિધ સાધનોની સગવડ ઉપલબ્ધ થવાના કારણે સમગ્ર તાલુકાના દર્દીઓને પૂરતી સુવિધાઓ મળી રહેશે. વધુમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનોની મદદથી હવે ૧૧૧ પ્રકારના તમામ લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થવાથી દર્દીઓને વધુ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે. જેનો લાભ ઉના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા આયોજન કચેરીની ગ્રાંટમાંથી સરકારી સબ હોસ્પિટલ ઉનામાં કલર ડોપ્લર સોનોગ્રાફી મશીન, એનેસ્થેસ્યિા ટ્રોલી, બાયોકેમિસ્ટ્રી અને મેગ્લુમી ઓટો એનાલાઈઝર, પોર્ટેબલ ઓ.ટી. લાઈટ, ઓ.ટી. ટેબલ વીથ ઓર્થો એટેચમેન્ટ, પોર્ટેબલ ડેન્ટલ એક્સ-રે વીથ આર.વી.જી. પીસી, હોસ્પિટલ આર.ઓ.પ્લાન્ટ કૂલર એમ કુલ રૂા.૬૬.૭૫ લાખના ખર્ચે કુલ ૧૦ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાંટમાંથી એ.બી.જી મશીન, એક્સ-રે લીડ એપ્રોન, ડિલિવરી બેડ, કોટ્રી મશિન, ઓ.ટી.ટેબલ, ઓલ ઈન વન આર.વી.જી. યુનિટ જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. છેવાડાનો વિસ્તાર હોવાના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને અને સગર્ભા મહિલાઓને પણ સોનોગ્રાફીની તપાસ અર્થે ખાનગી હોસ્પિટલની મદદ લેવી પડતી હતી. તેમજ વિવિધ લોહીના રિપોર્ટ માટે પણ ખાનગી લેબોરેટરીની મદદ લેવી પડતી હતી. પરંતુ હવે તમામ પ્રકારના આધુનિક સાધનોની મદદથી વધુ ઝડપી સારવાર અને નિદાન શક્ય બનશે. વધુમાં, હોસ્પિટલમાં આવતા દર્દીઓને પીવાના ફિલ્ટરયુક્ત પાણીની સગવડ મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટની સગવડતા અને ઓપરેશન થિએટરમાં જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

error: Content is protected !!