કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત

0

અગાઉના મન દુ:ખના કારણે સગા ભત્રીજાએ કાકાની નીપજાવી હતી હત્યા

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા દેવરાજભાઈ કાનજીભાઈ પરમાર નામના અપરણિત સતવારા યુવાનને આ જ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર નામના ૩૦ વર્ષના યુવાન સાથે છેલ્લા દોઢ-બે વર્ષથી ઉકરડા બાબતે મનદુખ ચાલ્યું આવતું હતું. આ પરિસ્થિતિમાં દેવરાજભાઈએ થોડા સમય પૂર્વે આરોપી એવા તેમના ભત્રીજા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશીના બા મણીબેનને માર માર્યો હતો. આ બાબતનું મન દુ:ખ રાખી, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી પરમારએ ગત તારીખ ૧૩ એપ્રિલના રોજ સવારના સમયે દેવરાજભાઈને જે.સી.બી.ના પાવડા વડે બેફામ મારતા માર્યો હતો. આટલું જ નહીં, દેવરાજભાઈના ભાભી સવિતાબેન ખીમાભાઈને પણ બીભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાવડાના ઘા થી ઈજાગ્રસ્ત બનેલા દેવરાજભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ગત તા. ૧૪ ના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના મોટાભાઈ એવા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.વ. ૫૦) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે ધરમશી ગોરધનભાઈ પરમાર (ઉ.વ. ૩૦, રહે. ગાગા) સામે બી.એન.એસ. ની કલમ ૧૦૩ (૧), ૩૫૨, ૩૫૧ (૩) મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રકરણમાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીને પોલીસે અદાલત સમક્ષ રજુ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભત્રીજા દ્વારા કાકાની કરવામાં આવેલી ઘાતકી હત્યાના આ બનાવે નાના એવા ગાગા ગામમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.

error: Content is protected !!