જૂનાગઢમાં મહાનગરપાલિકાની દબાણ અને ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદે અને ટ્રાફીકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ તેમાં નાના માણસો અને ધામિર્ક સ્થળોને જ દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્ર આની સાથે વોકળા કાંઠેના ૨૦૦ થી વધારે દબાણો દૂર કરી કામગીરી તટસ્થતાથી કરે તેવી વિપક્ષે કમિશ્નરને પત્ર લખી માંગ કરી છે. વિપક્ષનેતા લલીત પણસારાએ જણાવ્યુ કે, મનપામાં છેલ્લા ઘણા વર્ષથી વોકળા કાંઠે આવેલા ૨૦૦ થી વધારે ગેરકાયદે બાંધકામને નોટીસ આપાઇ છે. આ જગ્યાઓ પર સ્કૂલો, હોસ્પિટલો બનાવવામાં આવી છે. નોટીસ આપ્યાને બે વર્ષનો સમય વિતી ગયો હોવા છતા હજુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દબાણોને કારણે અગાઉ પૂરની સ્થિતીને કારણે પણ મોટી જાનહાની થઇ હતી. અગાઉ મુખ્યમંત્રીએ જૂનાગઢના પ્રવાસ દરમ્યાન જે- તે અધિકારીઓને આ બાબતે ટકોર પણ કરી હતી. છતા હજુ સુધી કોઇ દબાણ હટ્યુ નથી. હાલમાં માત્ર નાના માણસો અને ધામિર્ક નળતરરૂપ દબાણો હટાવી રહ્યા છે તે યોગ્ય છે. પરંતુ તંત્રએ આની સાથે વોકળાકાંઠેના દબાણોનુ લીસ્ટ બનાવી એકી સાથે ડિમોલેશનની કામગીરી તટસ્થતાથી કરવી જોઇએ. જેથી અગાઉ બનેલી પુર હોનારત જેવી આકસ્મિક ઘટના ન બને તેમજ રસ્તાઓ ખુલ્લા થઇ શકે. જો આગામી સમયમાં આ કામગીરી નહીં થાય તો જન આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.