દિવ્યાંગ માટેના “ સ્વાવલંબન” કાર્યક્રમ થકી આત્મગૌરવભર્યા જીવન માટે દિવ્યાંગોમાં ઉત્સાહ ફેલાયો
જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દિવ્યાંગોના સ્વાવલંબન માટે અદાણી ફાઉન્ડેશન તથા મુંદરા પેટ્રોકેમિકલ દ્વારા સાધનસામગ્રીમાં ખાસ સગવડતાવાળી ઇલેક્ટ્રીક વ્હીલચેર ૪૮ દિવ્યાંગોને અર્પણ કરવામાં આવી હતી, જે બે માસ અગાઉ તેના માપ લઈને તૈયાર કરવામાં આવી છે, ૩૨ દિવ્યાંગોને તેમની આવડત પ્રમાણે રોજગારી ઊભી કરી શકે તે માટે તેમણે સિલાઈ મશીન, હાથલારી, પશુપાલન કીટ, કેબીન, હાર્મોનિયમ, પ્રિન્ટર વગેરે આપવામાં આવેલ. જેનાથી તેઓ પોતાની રોજગારી મજબૂત કરી શકશે. આ સાધનો તેઓને ગુજરાત રાજયના દિવ્યાંગો માટેના કમિશનર વિ.જે રાજપૂત, અદાણીના લક્ષ્મીનારાયણ, જી.કે.જનરલ હોસ્પિટલના ડીન બાલાજી પિલ્લાઈ તથા નરેન્દ્ર હિરાણી, તથા ફાઉન્ડેશનના પંક્તિબેન શાહના વરદ હસ્તે સાધન અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે લક્ષ્મીનારાયણજીએ જણાવ્યું કે “ અદાણી ફાઉન્ડેશન દ્વારા આપણા સમાજમાં જે જરૂરિયાતવાળા લોકો છે તેના સુધી કેમ પહોચવું, તેની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરવી એ તમામને સહયોગી બનવા અમોને તક આપી છે. આજે દિવ્યાંગોના ચહેરા પરની ખુશી જોઈને આનંદ થાય છે. જ્યારે ગુજરાત રાજયના દિવ્યાંગો માટેના કમિશનર વિ.જે રાજપૂત સાહેબે પોતાના વિભાગ તરફથી દિવ્યાંગોને મદદરૂપ થવા જે પહેલ કરવામાં આવી જેમાં ખાસ દિવ્યાંગોના પ્રશ્નો માટે સ્પેશિયલ સુનાવણી કાર્યક્રમ, લોક અદાલત, ઓન લાઇન અરજી, તેમજ આખા ગુજરાતમાં દિવ્યાંગો માટે ૨૧૧૪૪ સરકારી કાયમી નોકરી માટેની પ્રક્રિયાની વાત રજૂ કરી હતી. આ સાથે તાજેતરમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈના પુત્ર જીતભાઈ અદાણીના લગ્ન પ્રસંગે ગુજરાતની ૫૦૦ દિવ્યાંગ દીકરીઓ કે જેમના ગત વર્ષમાં લગ્ન થયા હોય તેને મંગલ સેવા યોજના નિયમ પ્રમાણે ૧૦,૦૦,૦૦૦/- રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવાની પ્રક્રિયા ચાલુ છે તે પૈકી કચ્છની ૨૫ દીકરીઓને અદાણી ફાઉન્ડેશન દ્વારા “મંગલ સેવા યોજના” નો લાભ મળેલ. અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૦ થી દિવ્યાંગોના જીવનમાં વિવિધ રીતે મદદરૂપ થઈને તેમના જીવનમાં અજવાળા પાથરવાના કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ દિવ્યાંગોને પોતાના તરફથી અને સરકાર સાથે જોડીને અનેકવિધ યોજનાઓનો લાભ અપાવેલ છે.