ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં યોજાયું ‘મા-બેટી સંમેલન‘

0

ભૂલકાંઓની સારસંભાળ રાખીને આંગણવાડી બહેનો માતા યશોદાની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે : મેયર નયનાબેન પેઢડીયા

રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાની આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) કચેરી દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત ‘મા-બેટી સંમેલન‘ યોજાયું હતું. પોષણ પખવાડિયાના સમાપન અર્થે કિશોરીઓને પૂર્ણા યોજના વિશે જાગૃત કરવા માટે ‘મા-બેટી સંમેલન‘ ગુજરાતમાં સૌ પ્રથમવાર યોજાયું હતું. આ સાથે શાળાએ ન જતી કિશોરીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પ પણ યોજાયો હતો. મેયર નયનાબેન પેઢડીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અહીં કિશોરીઓના પગપૂજન અને સગર્ભાઓની ગોદભરાઈ કરીને સરકાર ભારતીય પરંપરાને પ્રોત્સાહન આપી રહી છે, જે ખુશીની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન માતા અને બાળકોના હિતાર્થે અમલી મૂકેલી વિવિધ યોજનાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જાળવી રાખી છે. જેનાથી કિશોરીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ સહિત અનેક બહેનોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. તેમજ આંગણવાડી બહેનો ભૂલકાંઓની સારસંભાળ રાખીને માતા યશોદાની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે. સાથેસાથે અભ્યાસ અધૂરો છોડી દેતી કિશોરીઓના વાલીઓને વિનંતી છે કે દીકરીઓને ખૂબ ભણાવો અને આર્ત્મનિભર બનાવો. આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈએ શાબ્દિક ઉદબોધન અને અગ્રણી મનીષભાઈ રાડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે ચરણ પૂજન, અન્નપ્રાશન અને ગોદભરાઈની વિધિ કરાઈ હતી. ફુગ્ગા ફૂલાવવા, સોયદોરા પરોવવા, ચાંદલા લગાવવા જેવી એક મિનિટ ગેમ રમાડીને વિજેતાઓને ઇનામ અપાયા હતા. કિશોરીઓને કટલેરી કીટ અપાઈ હતી. આંગણવાડીની બહેનોએ બનાવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાયું હતું. આ તકે માતા અને દીકરીઓના ચહેરા પર અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. નિષ્ણાતોએ પોષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ૧૧૭ બહેનોની આરોગ્ય તપાસ કરાઈ હતી. આ તકે રીજીયોનલ કો-ઓર્ડીનેટર વિપુલભાઈ ઠાકર, શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલિપભાઈ લુણાગરિયા, સી.ડી.પી.ઓ. જયશ્રીબેન સાકરીયા, પ્રોગ્રામ આસિસ્ટન્ટ કોમલબેન વામજા, અગ્રણીઓ કપિલભાઈ, ઋષભભાઈ સહીત આંગણવાડી બહેનો, મુખ્ય સેવિકાઓ, તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આંગણવાડીની અનેક સેવાનો લાભ લઉં છું જે બદલ રાજય સરકારની આભારી છું : લાભાર્થી કિશોરી
લાભાર્થી કિશોરી લલિતાબેન સમેચાએ જણાવ્યું હતું કે, મને નિયમિતપણે પૂર્ણા શક્તિના પેકેટ મળે છે, જેનો ઉપયોગ કરવાથી લોહીના ટકા વધે છે. પૂર્ણાશક્તિના પેકેટમાં ખાદ્યપદાર્થો પોષકતત્વોથી ભરપૂર હોય છે. અમને અનેક વિવિધ રમતો પણ રમાડવામાં આવે છે. આંગણવાડીની અનેક સેવાનો લાભ લઉં છું. જે બદલ રાજય સરકારની આભારી છું.

error: Content is protected !!