EPFOની અભૂતપૂર્વ સિધ્ધી : 34 કરોડ સભ્યોનો ડેટાબેઝ સેન્ટ્રલાઈઝડ થયો

હવે પ્રોવિડન્ડ ફંડના નાણા અને વ્યાજની રકમ ઝડપથી મળશે

EPFOની અભૂતપૂર્વ સિધ્ધી : 34 કરોડ સભ્યોનો ડેટાબેઝ સેન્ટ્રલાઈઝડ થયો

(એજન્સી)     નવી દિલ્હી તા.14
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તેના લાખો સભ્યો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. EPFOએ પોતાના ડિજિટલ માળખાને મજબૂત બનાવવાના ભાગરૂપે ‘સેન્ટ્રલાઇઝ્ડ આઈટી એનેબલ્ડ સવિર્સિસ‘ (CITES) પ્રોજેક્ટનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ સાથે હવે દેશભરના EPFO સભ્યોનો ડેટાબેઝ એક સિંગલ સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ પર આવી ગયો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવી વ્યવસ્થાથી પીએફ અને પેન્શન સેવાઓ પહેલા કરતા અનેકગણી વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે.
અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં EPFO ઓફિસો અલગ-અલગ ડેટાબેઝનો ઉપયોગ કરતી હતી, જેના કારણે એક સ્થળેથી બીજા સ્થળે નોકરી બદલતી વખતે પીએફ ટ્રાન્સફર કરવામાં કે ક્લેમ મેળવવામાં સભ્યોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. CITES પ્રોજેક્ટ હેઠળ હવે સમગ્ર ભારતનો ડેટા એક જ રાષ્ટ્રીય સર્વર પર ઉપલબ્ધ હોવાથી, કોઈ પણ પ્રાદેશિક ઓફિસમાંથી સભ્યની વિનંતીઓ પર ત્વરિત કાર્યવાહી શક્ય બનશે. આનાથી સભ્યોએ પોતાના કામ માટે વારંવાર ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.