HIV સામે લડવું છે, HIV સાથે જીવતા લોકો સામે નહીં, ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએ

જૂનાગઢ જીલ્લામાં ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો

HIV સામે લડવું છે, HIV સાથે જીવતા લોકો સામે નહીં, ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએ

જૂનાગઢ, તા.૧૪            
“Let Us Participate, NO Discriminate” — “ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએ” આ થીમ હેઠળ રાજ્યભરમાં ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૧૨ ઓગષ્ટ ૨૦૨૬ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત આરોગ્ય વિભાગ, ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી (GSACS) તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈનનો સત્તાવાર પ્રારંભ માન. જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખશ્રીના પ્રતિનિધિ, આરોગ્ય સમિતિના પ્રમુખ ચિરાગભાઈ રાજાણી, મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, જિલ્લા એઇડસ કન્ટ્રોલ અધિકારી ડો. ચંદ્રેશ  વ્યાસ, RCHO ડો. સુતરીયા, સીડીએમો ડો. સુશ્રી જાેશી, અમે.ઓ.ટી.સી. ડો. નિમાવતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.  નેશનલ એઈડસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO)ની માર્ગદર્શિકા અનુસાર અભિયાનનો મુખ્ય હેતુ HIV ના સંક્રમણને ઘટાડવો, HIV તથા STI સંબંધિત આરોગ્ય સેવાઓની માંગ વધારવી અને HIV સાથે જીવતા લોકો તથા STI થી અસરગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યેના કલંક અને ભેદભાવને દૂર કરવાનો છે. આ અભિયાન દરમિયાન જૂનાગઢ જિલ્લાના ૮૦ થી વધુ ગામો અને વોર્ડ, માધ્યમિક શાળાઓ તથા કોલેજાેમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ ગામડાઓમાં HIV/AIDS અને જાતીય સંક્રમિત રોગો (STI) અંગે અવેરનેશ કાર્યક્રમો, જન જાગૃતિ કાર્યક્રમો તથા વન-ટુ-વન મીટિંગ્સ યોજાશે. યુવાનોમાં HIV અંગે વૈજ્ઞાનિક અને સાચી માહિતી પહોંચાડવા માટે શાળા તથા કોલેજાેમાં વિશેષ HIV અવેરનેશ સેશનનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સુધી જાગૃતિનો સંદેશ પહોંચે તે હેતુથી પરંપરાગત માધ્યમ ફોક શો દ્વારા પણ લોકોને HIV/AIDS, STI, સુરક્ષિત વર્તણૂક તથા HIVથી બચવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત HIV અને AIDS (Prevention and Control) Act, ૨૦૧૭ અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ખાસ કરીને HIV સાથે જીવતા લોકોની ગોપનીયતા જાળવવા તથા ભેદભાવથી રક્ષણ મેળવવાના તેમના અધિકારો અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે તેમજ લોકોને સરકારી મફત આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક HIV ટેસ્ટિંગ, HIV કાઉન્સેલિંગ તથા STI સંબંધિત તપાસ અને સારવાર સેવાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ સ્થળોએ ગોપનીય HIV સ્ક્રીનિંગ તથા અન્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.  આ સાથે જ IEC મટિરિયલના માધ્યમથી વ્યક્તિ પોતાનું HIV જાેખમનું સ્વ-મૂલ્યાંકન કેવી રીતે કરી શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરોક્ત મહા-જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને યુવાનો સહિત સમગ્ર સમુદાયને HIV નિવારણની કામગીરીમાં જાેડવાનો, HIV અંગેની સાચી માહિતી પહોંચાડવાનો તથા સહભાગિતા, જાગૃતિ અને ભેદભાવમુક્ત વલણનો સંદેશ વધુ મજબૂત કરવાનો છે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ટીબી-એચઆઈવી અધિકારી  ડો. ચંદ્રેશ વ્યાસ તથા જયેશભાઈ સોલંકી પ્રોગ્રામ મેનેજર, દિશા યુનિટ, જૂનાગઢ દ્વારા ઈન્ટેન્સિફાઈડ IEC કેમ્પેઈન અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં NACP ફેસિલિટી સ્ટાફ, NTEP ફેસિલિટી સ્ટાફ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ડિસ્ટ્રિક્ટ એઇડસ કંટ્રોલ ઓફિસર, જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.