અમદાવાદ જળમગ્ન : સૈન્યની મદદ લેવાઈ
છેલ્લા 24 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર પાણીમાં ડુબ્યું : પ્રિ-મોન્સુન કામગીરીના ધજાગરા
(બ્યુરો) અમદાવાદ,તા.24:
અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિગ કરતાં અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે જનજીવન પણ વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 ઈંચથી વધુ વરસાદ, ઉત્તર-પશ્ચિમમાં સાડા 14 ઈંચ અને પશ્ચિમ-મધ્ય ઝોનમાં સાડા 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ભારે વરસાદ બાદ પ્રિ-મોન્સુનની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. 24 કલાક બાદ પણ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં થતાં શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગોતા, શીલજ, સિધુભવન, હેલ્મેટ ચાર રસ્તા, બોપલ અને ઘુમા જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પ્રજા હાલાકી વેઠી રહી છે, જ્યારે કમિશ્નર અને મેયરના બંગલા પાસે ટીપુંય પાણી નથી! પ્રિ-મોન્સુન પ્લાનિગ માત્ર કાગળ પર સાબિત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં અનેક સોસાયટીઓ ડૂબી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો ફસાયા છે.
આજે વહેલી સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઇવે, ગોતા, જગતપુર, એસપી રિંગ રોડ, ન્યુ રાણીપ, ચાંદખેડા , ત્રાગડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે ત્રાગડ રોડ, IOC રોડ, ડી-કેબીન રોડ, ચેનપુર રોડ સહિતના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં રેસ્કયુ ઓપરેશન અને પાણીના નિકાલ માટે આર્મીની મદદ લેવામાં આવી છે.


