ગતિરોધ સમાપ્ત : પેપર લીક વિરોધી બીલ પર લોકસભામાં આજે બપોરથી ચર્ચાનો પ્રારંભ
નવી દિલ્હી તા.28
ચોમાસુ સત્રના પ્રારંભથી જ સંસદના બન્ને ગૃહોમાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી સતત ઠપ્પ રહી હતી અને ગૃહનું કોઈ કામકાજ થઈ શકયું હતુ નહીં. પરંતુ હવે સરકાર અને વિપક્ષ વચ્ચે ગતિરોધ સમાપ્ત થઈ ગયો છે અને આજે બપોરે 2.00 કલાકથી પેપર લીક વિરોધી બીલ પર ચર્ચા માટે સરકાર અને વિપક્ષ સંમત થઈ ગયા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં પેપર લીક સંબંધિત 'પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ, 2026' પર ચર્ચા થશે. સ્પીકરે આ ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કર્યો છે, જેને જરૂર પડ્યે વધારી પણ શકાય છે.
આજે સવારે સંસદમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે પણ હોબાળા વચ્ચે શરૂ થઈ હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોને ગૃહ ચાલવા દેવાની અપીલ કરી. તેમણે કહ્યું- સંસદ ચાલવા દો. અહીં ચર્ચા અને વાતચીત થવી જોઈએ, જેથી દેશમાં સકારાત્મક સંદેશ જાય. હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે પેપર લીક સંબંધિત સુધારા બિલ પર ચર્ચા માટે બપોરે 2 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બિરલાએ વિપક્ષને નિર્ધારિત સમયે ચર્ચામાં ભાગ લેવા અપીલ કરતા કહ્યું કે ગૃહને ચાલવા દો. હોબાળો ન કરો.
ચર્ચામાં NDAના ઘણા યુવા સાંસદો ભાગ લેશે. તેમાં ભાજપના બંસુરી સ્વરાજ અને તેજસ્વી સૂર્યાનો સમાવેશ થાય છે. INDIA બ્લોકના સૂત્રો અનુસાર, કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ અને ગૌરવ ગોગોઈ ચર્ચામાં ભાગ લેશે.


