સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ
તેમાં મંદિરની પવિત્ર સંપત્તિ અને ભક્તોની શ્રદ્ધાનો સમાવેશ થાય છે, અને કોર્ટે તેને ‘ગંભીર અનિયમિતતા‘ ગણાવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા) કેરળ,તા.૮
કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા શ્રી ધર્મ શાસ્ત્ર મંદિર, જે ભગવાન અયપ્પાના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, આ તીર્થસ્થળ ફરી એકવાર ગંભીર વિવાદનું કેન્દ્ર બન્યું છે. હકીકતમાં મંદિરના ગર્ભગ્રહમાં બંન્ને સાઈડમાં લાગેલી દ્વારપાળની મૂર્તિઓમાં લાગેલી સોનાના વરખમાં કથિત ગેરરીતિઓ અંગે ફરિયાદ સામે આવી છે. કેરળ હાઈકોર્ટે આ કેસમાં સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે, જે આ ઘટનાનો ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે તેમાં મંદિરની પવિત્ર સંપત્તિ અને ભક્તોની શ્રદ્ધાનો સમાવેશ થાય છે, અને કોર્ટે તેને ‘ગંભીર અનિયમિતતા‘ ગણાવી છે. ૯ સપ્ટેમ્બરના રોજ સબરીમાલા સ્પેશિયલ કમિશનરે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો ત્યારે વિવાદ સામે આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દ્વારપાલક મૂર્તિઓના સોનાના વરખવાળા તાંબાના પ્લેટોને કોર્ટની પરવાનગી વિના હટાવવામાં આવી હતી અને ચેન્નાઈના એક સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ માં ‘સોનાના વરખ ‘ ના આડમાં આ પ્લેટો ફરીથી લગાવ્યા બાદ તેનું વજન લગભગ ૪.૫૪૧ કિલોગ્રામ ઓછું થયું હતું. કોર્ટે તેને ચિંતાજનક ગણાવતાં કહ્યું કે, તે અસલી સોનાની પ્લેટોને બદલવા અથવા વેચવાનું કાવતરું કરવાનો સંકેત આપે છે.
કેસની સુનાવણી દરમિયાન જસ્ટીસ વી. રાજા વિજયરાઘવન અને કે. વી. જયકુમારની બેન્ચે સબરીમાલાના મુખ્ય તકેદારી અને સુરક્ષા અધિકારી (પોલીસ અધિક્ષક) સાથે સીધી વાત કરી હતી. અધિકારી કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર હતા. તેમણે સીલબંધ પરબિડીયુંમાં પ્રારંભિક તપાસનો વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ બેન્ચે તારણ કાઢ્યું કે, ગર્ભગૃહની બંને બાજુ સ્થિત દ્વારપાલક મૂર્તિઓના સોનાના વરખથી ઢંકાયેલા તાંબાના પ્લેટો અંગેના ગંભીર આરોપોની વિસ્તૃત તપાસ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, આ મામલો મંદિરની પવિત્રતા અને ભક્તોની શ્રદ્ધા સાથે છેતરપિંડી છે. આ મામલાની તપાસ માટે કોર્ટે SIT ની રચના કરી છે, જેનું નેતૃત્વ કાયદો અને વ્યવસ્થાના ADGP એચ. વેંકટેશ કરશે. આ તપાસ થ્રિસુરમાં કેરળ પોલીસ એકેડેમીના સહાયક નિયામક (વહીવટ) એસ. શશિધરન (IPS) કરશે.
SIT ને શક્ય તેટલી ઝડપથી તપાસ પૂર્ણ કરવાનો અને કોઈપણ કિંમતે છ અઠવાડિયામાં તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે તપાસ ગુપ્ત રાખવામાં આવે અને રિપોર્ટ સીધો કોર્ટમાં સુપરત કરવામાં આવે. તેમજ રાજ્ય સરકારને ત્રણ પોલીસ અધિકારીઓ - ઇન્સ્પેક્ટર અનીશ (વકથનમ પોલીસ સ્ટેશન, કોટ્ટાયમ), ઇન્સ્પેક્ટર બીજુ રાધાકૃષ્ણન (કપ્પામંગલમ પોલીસ સ્ટેશન, થ્રિસુર ગ્રામીણ) અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર (સાયબર પોલીસ સ્ટેશન, થાયકૌડ, તિરુવનંતપુરમ) - ની સેવાઓ SIT ને પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.


