ગુમ થયેલા બાળકોની શોધખોળ માટે દેશભરમાં એક સમાન SOP જરૂરી : સુપ્રિમ કોર્ટ
દેશભરમાં ગુમ થઈ રહેલા બાળકોની વધતી સંખ્યા રાષ્ટ્રીય સમસ્યા : સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
(એજન્સી) નવીદિલ્હી તા.૨૨:
દેશભરમાંથી ગુમ થતા બાળકોની વધતી જતી સંખ્યા અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને એક "રાષ્ટ્રીય સમસ્યા" ગણાવી છે. સુપ્રીમ કોર્ટની બેંચે અવલોકન કર્યું હતું કે ગુમ થયેલા બાળકોનો મુદ્દો કોઈ એક રાજ્ય પૂરતો સીમિત નથી, પરંતુ તે સમગ્ર દેશને સ્પર્શતી એક ગંભીર બાબત બની ગઈ છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે ગુમ થયેલા બાળકોની શોધખોળ માટે દેશભરમાં એક સમાન ‘ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર‘ (એસઓપી) વિકસાવવામાં આવે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં સમયનું ખૂબ જ મહત્વ હોય છે. જ્યારે કોઈ બાળક ગુમ થાય છે, ત્યારે શરૂઆતના કલાકો (જેને ઘણીવાર ‘ગોલ્ડન અવર્સ‘ કહેવામાં આવે છે) સૌથી કિંમતી હોય છે. જો આ સમયગાળા દરમિયાન અસરકારક અને પદ્ધતિસરની કાર્યવાહી કરવામાં આવે, તો બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે.
સુપ્રિમ કોર્ટે ટકોર કરી હતી કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રક્રિયા હોવાને કારણે તપાસમાં વિલંબ થાય છે અને સંકલનનો અભાવ જોવા મળે છે. તેથી, એક રાષ્ટ્રીય કક્ષાની એકસૂત્ર એસઓપીઓ હોવી અત્યંત આવશ્યક છે જેનું પાલન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવે.


