જૂનાગઢ જીલ્લાનાં ડેમોમાં નવા નીરની ભરપુર આવક
જૂનાગઢ શહેરનાં વિલીંગ્ડન ડેમ, દામોદરકુંડ, જટાશંકર સહીતનાં સ્થળોએ ગઈકાલે રવિવારે લોકો ઉમટી પડયા
જૂનાગઢ તા.6
જુલાઈ માસના પ્રારંભ સાથે જ સતત પાંચ દિવસ સુધી મેઘરાજાની મહેર જૂનાગઢ જીલ્લામાં થતા ભારે વરસાદને પગલે જીલ્લાનાં 18 પૈકી મોટાભાગના જળાશયોમાં પાણીની ભરપુર આવક થઈ છે. જૂનાગઢ શહેરનાં દામોદરકુંડ, વિલીંગ્ડન ડેમ, જટાશંકર સહીતનાં સ્થળોએ પાણીનો કુદરતી નજારો નિહાળવા માટે ગઈકાલે માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. અને કુદરતી સૌંદર્યનાં અનેરા દર્શનનો લ્હાવો લીધો હતો.
જૂનાગઢ જીલ્લામાં જુન માસ કોરોધાકોડ રહયા બાદ જુલાઈ માસથી જ મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા સીઝનનો પ્રથમ વરસાદ 15 ટકાથી લઈ 100 ટકા જેવો કેટલાક વિસ્તારોમાં થતાં મેઘરાજાએ આખુ ચિત્ર બદલી આપ્યું હતું.
જયાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાનો ભય વ્યકત થયો હતો. ત્યાં તમામ વિસ્તારોમાં આજે આખુ ચિત્ર જ પલ્ટાઈ ગયુ હતું અને નવા નીરની ભરપુર આવક થતાં જ જળાશયોમાં પાણીની સંગ્રહ શકિતમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં વરસી ગયેલા વરસાદ અંગે સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા છે તે અનુસાર માણાવદર પંથકમાં 342 મીમી (14 ઈંચ), વંથલી 242 મીમી (8.5 ઈંચ), જૂનાગઢ રૂરલ 171 મીમી (7 ઈંચ), ભેંસાણ 176 મીમી (7 ઈંચ), વિસાવદર 223 મીમી (9 ઈંચ), મેંદરડા 467 મીમી (17.5 ઈંચ), કેશોદ 746 મીમી (28.5 ઈંચ), માંગરોળ પંથકમાં 1021 મીમી (41 ઈંચ), માળીયા હાટીના 786 મીમી (31.5 ઈંચ), જૂનાગઢ શહેર 171 મીમી (7 ઈંચ), ગીરનાર ક્ષેત્રમાં 188 મીમી (7.5 ઈંચ) વરસાદ નોંધાયો છે. આજે પણ જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદની શકયતા જાેવાઈ રહી છે.



