ગરવા ગીરનાર ખાતે સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવવા ૧૦૦ સીસીટીવી કેમેરાથી સજજ કરાશે

સમગ્ર ગીરનાર ક્ષેત્રને સીસી ટીવીથી સુસજજ કરવા માટે સર્વે સંતોનાં સંકલ્પ અંતર્ગત મહેશગીરી બાપુનાં હસ્તે રૂા. પ૧ લાખનો ચેક વહીવટી તંત્રને સુપ્રત કરાયો

ગરવા ગીરનાર ખાતે સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવવા ૧૦૦ સીસીટીવી કેમેરાથી સજજ કરાશે

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ક્ષેત્રને આગામી સમયમાં  સીસી ટીવી કેમેરાથી સજજ કરી અને સુરક્ષીત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ગઈકાલે જૂનાગઢ બહાઉદીન કોલેજ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમ દરમ્યાન સનાતન ધર્મના સંતો અને જૈન સંતો દ્વારા રૂા. પ૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. 
જૂનાગઢ નજીક આવેલા ગીરનાર ક્ષેત્ર અને ત્યાં આવેલા ધાર્મિક સ્થાનો લાખો ભાવિકોનું શ્રધ્ધાનું કેન્દ્ર હોય અહીં આવનારા તમામ ભાવિકો-યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે તેમજ અહી આવેલા વિવિધ ધાર્મિક ક્ષેત્રો તેમજ મંદિરો, ધાર્મિક જગ્યાની પણ સુરક્ષા જળવાઈ રહે તે માટેની મજબુત વ્યવસ્થાની માંગણી થઈ રહી હતી. થોડા સમય પહેલા જ ગીરનાર ખાતે આવેલ ગોરક્ષનાથજીની ધાર્મિક જગ્યા ઉપર ગોરક્ષનાથજીની પ્રતિમાની તોડફોડની ઘટના બની હતી. અને જેને લઈને ભાવિકો અને સાધુ સંતોમાં ભારે રોષ ઉઠવા પામ્યો હતો. ભવનાથ ક્ષેત્રમાં સનાતન અને જૈન ધર્મનાં સંતોની એક બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આવી ઘટના બીજીવાર ન બને તે માટે સીસીટીવી પ્રોજેકટની ચર્ચાઓ થઈ હતી. ગીરનારની સીડીથી માંડી તમામ ટુંક પર ૧૦૦ જેટલા સીવી ટીવી લગાવવા માટે નકકી કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના સંતો પાસેથી તેમજ શેરનાથ બાપુ અને જૈન ધર્મનાં સંતો પાસેથી પણ આ અંગે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. પૂ. નમ્રમુની મહારાજ સાહેબે પણ ફંડ એકત્ર કરી અને કુલ     રૂા. 51 લાખની રકમ એકત્રીત કરવામાં આવી હતી. ગઈકાલે સંતોની ઉપસ્થિતિમાં પૂ.મહેશગીરી બાપુનાં હસ્તે રૂા. પ૧ લાખનો ચેક તંત્રને સુપ્રત કરવામાં આવ્યો હતો.