જૂનાગઢ મનપાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના અકરમ કુરેશીનો ભવ્ય વિજય

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના અકરમ કુરેશીનો ભવ્ય વિજય

જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ મહાનગરપાલીકાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીનો ભવ્ય વિજય થયો છે. આમ ભાજપે વોર્ડ નં.૩ નો ગઢ જાળવી રાખ્યો છે. આજે સવારે ૯ કલાકે જૂનાગઢ પ્રાંત અધિકારી કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીની મિનિટોમાં પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીને ૪૮૩૪ મત મળ્યા હતા. જયારે તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર અશરફભાઈ થઈમને ર૮૩૬ મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેબુબભાઈ પંજાને ર૪૬ મત મળ્યા હતા. નોટામાં ૧૦૮ મત પડયા હતા. આમ ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીનો ૧૯૯૮ મતની લીડથી ભવ્ય વિજય થયો હતો. જૂનાગઢ મનપાના વોર્ડ નં.૩ની આ બેઠક પર અગાઉ અબ્બાસ કુરેશી ચૂંટાઈ આવ્યા હતા. અબ્બાસ કુરેશી અકરમ કુરેશીના મોટા ભાઈ છે. અબ્બાસ કુરેશી સામે ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ થતાં અને જૂનાગઢ મનપાના જનરલ બોર્ડની સતત ૩ બેઠકમાં ગેરહાજર રહેતા નિયમ મુજબ તેઓ ગેરલાયક ઠરતા આ બેઠક ખાલી પડી હતી. જેના પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં અકરમ કુરેશીએ આ બેઠક પર વિજય મેળવ્યો છે. અકરમ કુરેશીએ વિજય મેળવ્યા બાદ મિડીયા સાથે વાતચીત કરતા તેમની આ જીત માટે વોર્ડ નં.૩ના તમામ મતદારો, ભાજપના પદાધિકારીઓ સહિત તમામનો આભાર માન્યો હતો અને વોર્ડ નં.૩ના વિકાસકાર્યો કરવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. વોર્ડ નં.૩ દાયકાઓથી કુરેશી પરિવારનો ગઢ રહ્યો છે. તે ફરી એકવાર સાબિત થયું છે.