ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ૩ શંકાસ્પદો રાજસ્થાનથી ઝડપાયા : બોલીવુડમાં સન્નાટો અને ડરનો માહોલ
(એજન્સી) કોટા તા.૧૯ :
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગઈકાલે મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલા અને ફાયરિગ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ ગંભીર ઘટનાના માત્ર ૧૬ કલાકની અંદર જ રાજસ્થાનના કોટા શહેરમાંથી ત્રણ મુખ્ય શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કોટા રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ શૂટર્સને પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ તમામ આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ પુણે-મુંબઈ એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભાગી રહ્યા હતા, જેમાંથી એક આરોપી બિહારનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.
ગત સાંજે આ આખી ઘટના બની હતી, જ્યારે ટાઇગર શ્રોફ જુહુ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પોતાની કારમાં રવાના થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ચાહકોની ભારે ભીડ ભેગી થઈ હતી અને અજાણ્યા હુમલાખોરોએ ભીડનો લાભ લઈને અભિનેતાની કાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સદનસીબે ટાઇગર શ્રોફ આ હુમલામાં માંડ-માંડ બચી ગયા હતા અને સુરક્ષિત છે, પરંતુ આ ગોળીબારમાં તેમનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલા સમયે કરણવીર મહેરા અને અભિષેક બજાજ જેવા અન્ય કલાકારો પણ તેમની પાછળની ગાડીમાં હાજર હતા, જેના કારણે સમગ્ર બોલિવૂડમાં ભારે સન્નાટો અને ડરનો માહોલ છવાઈ ગયો છે.


