રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનનું કાઉન્ટડાઉન : ૧૪૯૨ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે
જંગલેશ્વર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા સાથે લોખંડી બંદોબસ્ત તૈનાત : લોકોને મકાનો ખાલી કરવા આખરી ચેતવણી
(બ્યુરો) રાજકોટ તા.ર૧
રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ૧૪૦૦થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર તૈયાર છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના ૧૨૦૦થી વધુ અને પોલીસ વિભાગના ૧૫૦૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ એકત્ર થયા છે. સાથે જ કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. આજે ૨૧ ફેબ્રુઆરીને શનિવારે ૭ રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે અને દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે. સવારથી શરૂ થયેલી આ કામગારી સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે. જંગલેશ્વરની ૭૮ જેટલી સોસાયટી-ગલીઓમાં જઈ કોર્પોરેશન અને પોલીસની ટુકડી લોકોને દબાણ ખાલી કરવા જણાવશે.
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. ૬ હેઠળના ૧૫ મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
૧૮ ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે, ૨૩ ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે ૧૪૯૨ જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આ માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિસ્તારના લોકોને પણ બે દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે, અન્યથા કોઈ જાનમાલ નુકશાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ પણ આપી દેવામાં આવ્યો છે.


