વિશ્વ સાયકલ દિવસ 2026 : મોટરની સવારીમાં જે મોજ નથી, એ સાયકલના આ બે પૈડાંમાં છે!
સાયકલિંગ એ માત્ર શોખ નથી પરંતુ પર્યાવરણ, બચત અને સ્વસ્થજીવનની સાયકલિંગ માટેની સંજીવની સવારી છે
વર્તમાન સમયમાં ભાગદોડવાળી ઝીંદગી આપણી ખાનપાન અને સ્વાસ્થ્યલક્ષી સંપૂર્ણ જીવનશૈલીમાં અનેક બદલાવ જોવા મળી રહ્યો છે. આજે જ્યારે પેટ્રોલ-ડીઝલના ધુમાડા, ગૂંગળાવતા ટ્રાફિક જામની સમસ્યાઓ તથા હેલ્થ ક્લબની મોંઘીદાટ ફી સામાન્ય માણસને અમાન્ય બની રહી છે, ત્યારે આ બે પૈડાંનું સાદું અને સસ્તું વાહન આપણને ઉત્તમ તંદુરસ્તી મેળવવાનો અને મેદસ્વિતા (મોટાપો) દૂર કરવાનો એક નવો, સુલભ માર્ગ બતાવી રહ્યું છે. ત્યારે આદિમાનવથી લઈને અત્યાધુનિક માનવીના વિકાસની સફર પર નજર કરીએ તો સમજાય છે કે માણસની પ્રગતિમાં આગ, ચક્ર (પૈડું)નો સવિશેષ ફાળો રહ્યો છે. આ શોધોએ માનવ સભ્યતાનો ચહેરો બદલી નાખ્યો. પરંતુ, એ પૈડાંને જ્યારે બે સમાંતર રેખામાં ગોઠવીને માણસે પોતાના જ સ્નાયુબળથી રસ્તા પર દોડાવવાનું શરૂ કર્યું, ત્યારે એક અદભુત અને અનોખી ક્રાંતિનો જન્મ થયો. એ ક્રાંતિનું નામ એટલે ‘સાયકલ‘. દર વર્ષે 3 જૂનના રોજ ઉજવાતો ‘વિશ્વ સાયકલ દિવસ‘ (Wrold Bicycle Day) માત્ર એક કેલેન્ડરની ઔપચારિકતા નથી. આ દિવસ ગ્લોબલ ર્વોમિંગના સંકટથી પીડાતી પૃથ્વી અને આખો દિવસ સ્ક્રીન સામે બેસીને બેઠાડુ જીવનશૈલીથી કંટાળેલા આજના આધુનિક માનવી માટે એક સાચી સંજીવની સમાન છે. 200 વર્ષ કરતાં પણ વધુ જૂનો અને અત્યંત રસપ્રદ ઇતિહાસ ધરાવતી આ સાયકલ, લાકડાના પ્રારંભિક ફ્રેમથી શરૂ થઈને આજે સ્માર્ટ ગિયર્સ અને કાર્બન ફાઈબર સુધી પહોંચી છે. ચાલો, આજના આ વિશેષ દિવસે સાયકલના એ રોમાંચક સફરના પેડલ મારીએ અને તેના અગણિત ફાયદાઓને સમજીએ.
વિશ્વ સાયકલ દિવસની શરૂઆત અને વર્ષ 2026ની થીમ
સાયકલના વૈશ્વિક મહત્વને ઓળખીને તેને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવાનો શ્રેય પોલેન્ડના જાણીતા સામાજ-વિજ્ઞાનના પ્રોફેસર લેશેક સિબિલ્સ્કી(Leszek Sibilski)ને જાય છે. તેમના અથાક પ્રયત્નો અને સચોટ રજૂઆતના પગલે જ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA) દ્વારા સત્તાવાર ઠરાવ પસાર કરીને નક્કી કરાયું કે દર વર્ષે 3 જૂનને ‘વર્લ્ડ બાયસિકલ ડે‘ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. આ ઉજવણી પાછળ પ્રોફેસર સિબિલ્સ્કી અને યુનાઇટેડ નેશન્સનો તર્ક બહુ સરળ પણ સચોટ હતો. સાયકલ એક એવું વાહન છે જે સસ્તું છે, ટકાઉ છે, પર્યાવરણને 100% અનુકૂળ છે અને તે સમાજના સૌથી ગરીબ વ્યક્તિથી લઈને સૌથી અમીર વ્યક્તિ સુધી સમાન રૂપે સુલભ છે. સાયકલ માત્ર પરિવહનનું સામાન્ય સાધન નથી, પણ તે શિક્ષણ - ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવાનું માધ્યમ, આરોગ્ય અને રમતગમત એમ ત્રણેય ક્ષેત્રે વિકાસનું એક સશક્ત માધ્યમ છે. વર્ષ 2026માં, આ દિવસની સત્તાવાર થીમ “હરિયાળા ભવિષ્ય માટે સાઈકલિંગ”(Cycling fro a Greener Future) રાખવામાં આવી છે. આ થીમ સીધી રીતે સક્ષમ, પ્રદૂષણમુક્ત પરિવહન અને માનવીની શારીરિક-માનસિક સુખાકારી પર કેન્દ્રિત છે, જે આજના બદલાતા સમયની સૌથી મોટી માંગ છે.
ટ્રેડમિલ વસિર્સ ખુલ્લું આકાશ : નિજાનંદ
આજકાલ ફિટનેસના નામે એસી રૂમમાં બંધ દિવાલો વચ્ચે પરસેવો પાડવાનો ક્રેઝ વધ્યો છે, જેની સામે જાણીતા સાયકલ પ્રેમી આરતીબેન પાચાણી બહુ સચોટ વાત રજૂ કરે છે. આરતીબેન કહે છે કે, "લોકો વજન ઉતારવા કે ફિટ રહેવા માટે ફિટનેસ ક્લબમાં હજારો રૂપિયા ખર્ચે છે અને એરકન્ડિશન્ડ રૂમમાં એક જ જગ્યાએ સ્થિર ઊભા રહીને ટ્રેડમિલ પર દોડે છે. તેની સામે ખુલ્લા આકાશ નીચે, સવારના વહેલા પવનની લહેરો વચ્ચે સાયકલ ચલાવવી એ માત્ર એક વ્યાયામ નથી પણ નિજાનંદનો પરમ આનંદ છે. કુદરતના સાનિધ્યમાં સાયકલ ચલાવવાથી જે મુક્તિ અને તાજગીનો અનુભવ થાય છે, તેની તુલના બંધ રૂમમાં થતી કસરતો સાથે ક્યારેય થઈ શકે નહીં.”
મેડિકલ સાયન્સ શું કહે છે ? સાયકલિંગના લાભો
નિયમિત સાયકલ ચલાવવાથી આપણા શરીરના આંતરિક અંગો પર અદભુત સકારાત્મક અસરો થાય છે. તબીબી સંશોધનો અને ડોક્ટરોના મતે સાયકલિંગના અનેક ફાયદા છે. રોજ માત્ર 30 મિનિટ સાયકલ ચલાવવાથી હૃદયના ગંભીર રોગોનું જોખમ 50% સુધી ઘટી જાય છે. તે ધમનીઓમાં જામતા બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે અને બ્લડ સક્ર્યુલેશન સુધારે છે. સાયકલિંગ એ ખૂબ જ ઉત્તમ અને ઝડપી કેલરી બર્નર પ્રવૃત્તિ છે. એક કલાક સામાન્ય ઝડપે સાયકલ ચલાવવાથી આશરે 300 થી 500 કેલરી બર્ન થાય છે, જે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગાળીને મેદસ્વીપણું ઝડપથી ઘટાડે છે. જ્યારે આપણે દોડીએ કે કૂદીએ છીએ ત્યારે શરીરના આંચકાને કારણે ઘૂંટણના સાંધા પર સીધું વજન અને દબાણ આવે છે. તેની સામે સાયકલિંગમાં શરીરનું મોટાભાગનું વજન સીટ પર હોવાથી ઘૂંટણ કે પગના સાંધા પર બિનજરૂરી લોડ આવતો નથી, અને સાંધાના વધુ મજબૂત બને છે. સાયકલ ચલાવતી વખતે મગજમાં ‘એન્ડોફિર્ન‘ (Endrophins) અને ‘સેરોટોનિન‘ જેવા ‘હેપ્પી હોર્મોન્સ‘ મુક્ત થાય છે. આ હોર્મોન્સ કુદરતી રીતે જ માનસિક તણાવ, એન્ઝાયટી અને ડિપ્રેશનને દૂર કરીને મૂડ સારો રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સાયકલિંગ એક ઉત્તમ કુદરતી ઉપચાર છે. તે લોહીમાં રહેલી ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારે છે અને ગ્લુકોઝનો વપરાશ કરીને શુગરના સ્તરને કુદરતી રીતે જ નિયંત્રિત રાખે છે. તમારે રોજ કલાકો સુધી કસરત કરવાની જરૂર નથી. અઠવાડિયામાં માત્ર 1500 મિનિટ (રોજની આશરે 20 થી 25 મિનિટ) સાયકલિંગ પણ તમને અનેક આધુનિક લાઈફસ્ટાઈલ રોગોથી બચાવી શકે છે.
સાયકલિંગ એ માત્ર શોખ નથી, સંપૂર્ણ જીવનશૈલી છે : પરેશભાઈ બાબરિયા
રાજકોટના જાણીતા સાયકલિસ્ટ પરેશભાઈ બાબરિયા સાયકલિંગના પોતાના બહોળા અનુભવો વિશે શેર કરતા જણાવે છે કે, "સાયકલ ચલાવવી એ માત્ર એક શોખ કે ટ્રેન્ડ નથી પણ એક સંપૂર્ણ જીવનશૈલી(Lifestyle) છે. રોજિંદા જીવનમાં સાયકલિંગને વણી લેવાથી એકંદરે સ્વાસ્થ્ય (ઓવરઓલ હેલ્થ) ખૂબ જ સારૂ રહે છે અને શરીરમાં એક નવી જ ઉર્જાનો સંચાર થાય છે." પરેશભાઈ સાયકલિંગના શારીરિક અને સામાજિક ફાયદાઓ વિશે વિગતવાર વાત કરતા જણાવે છે કે, દોડવા કે જમ્પિંગ જેવી અન્ય ભારે કસરતોની સરખામણીએ સાયકલિંગ એ ‘લો-ઇમ્પેક્ટ વર્કઆઉટ‘ છે. આનાથી સ્નાયુઓ ખેંચાવાની કે સાંધા છોલાઈ જવાની ઇજા થવાની શક્યતા નહિવત છે. નિયમિત પેડલિંગ કરવાથી પગની પિંડીઓ, સાથળ(Quads) અને કમરના નીચેના ભાગના સ્નાયુઓ મજબૂત બને છે અને સમગ્ર લોઅર બોડી સુદ્રઢ થાય છે. સાયકલ ચલાવતી વખતે તમારૂ શરીર અને મગજ બંને એકાકાર અનુભવે છે. વહેલી સવારે ખુલ્લા રસ્તાઓ પર પેડલ મારવા એ એક પ્રકારના જીવંત ધ્યાનની (મેડિટેશન) અનુભૂતિ કરાવે છે, જેનાથી અદ્ભુત માનસિક શાંતિ મળે છે. આનાથી આપણું મગજ સજાગ રહે છે અને શરીર સચેત રહે છે. સાયકલિંગ દરમિયાન તમને વહેલી સવારે રસ્તા પર તમારા જેવા જ ફિટનેસ પ્રેમી અને સકારાત્મક વિચારધારા ધરાવતા અસંખ્ય લોકો મળે છે. આનાથી એક સરસ, હેલ્ધી મિત્રવર્તુળ અને સોશિયલ ગ્રુપ બને છે જે તમને પ્રોત્સાહિત કરે છે. પરેશભાઈએ એક ખુબ સુંદર વાત કરતા કહ્યું કે, સાયકલિંગના બહાને વહેલી સવારે રાજકોટ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના કુદરતી તેમજ નયનરમ્ય લોકેશન્સને એકદમ નજીકથી જોવાનો અને એક્સપ્લોર કરવાનો અદ્ભુત મોકો મળે છે, જે સામાન્ય રીતે આપણે મોટી ગાડી કે બાઇક લઈને સ્પીડમાં નીકળતા હોય ત્યારે હંમેશા ચૂકી જઈએ છીએ.
ગુજરાતમાં વધતો ક્રેઝ
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ હવે સાયકલિંગ પ્રત્યેની જાગૃતિ ઝડપથી વધી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં વહેલી સવારે વિવિધ ‘સાયકલિંગ ક્લબ‘ના સભ્યો રંગબેરંગી સ્પોર્ટ્સ ટી-શર્ટ અને સેફ્ટી હેલ્મેટ પહેરીને લોંગ રાઈડ પર જતાં નજરે પડે છે. અનેક પ્રગતિશીલ શહેરોમાં તો હવે વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ બીઆરટીએસ (BRTS) કોરિડોરની સાથે સાયકલ સવારોની સુરક્ષા માટે ડેડિકેટેડ ‘સાયકલ ટ્રેક‘ પણ બનાવવામાં આવ્યા છે, જે આવકારદાયક પગલું છે.
ચાલો, આજે જ એક નાનો સંકલ્પ કરીએ...
વર્ષ 2026ના આ ‘વિશ્વ સાયકલ દિવસ‘ પર આપણે સૌ વૈશ્વિક નાગરિક તરીકે આપણી પૃથ્વી અને આપણા પોતાના શરીર પ્રત્યે વફાદાર રહીને એક નાનો પણ મક્કમ સંકલ્પ કરી શકીએ. ઘરની જ બિલકુલ નજીક આવેલી દુકાનેથી દૂધ, બ્રેડ કે શાકભાજી લેવા જવું હોય ત્યારે આદતવશ બાઇકની કીક મારવાને બદલે કે કાર સ્ટાર્ટ કરવાને બદલે, ઘરના ખૂણામાં પડેલી સાયકલનું પેડલ મારીએ. રવિવારની સવારે મોડે સુધી સૂતા રહેવાને બદલે પરિવારના સભ્યો કે બાળકો સાથે થોડે દૂર સાયકલ પ્રવાસે નીકળીએ. તો રાહ શેની જુઓ છો? જૂની સાયકલ પર જામેલી ધૂળને આજે જ ખંખેરી નાખો, ટાયરોમાં હવા ભરો, ચેઈનમાં થોડું ઓઈલિંગ કરો અને જિંદગી તરફ એક નવું પેડલ મારો! યાદ રાખજો, સમાજમાં કે ઓફિસમાં તમારો હોદ્દો ગમે તેટલો મોટો હોય, પણ સવારના નવશેકા તડકામાં સાયકલ પર સવાર થઈને જે બાળપણનો નિર્દોષ આનંદ અને તાજગીનો સાચો અહેસાસ મળે છે, તે દુનિયાની મોંઘામાં મોંઘી મોટરકારમાં પણ ક્યારેય નથી મળતો. સૌને વિશ્વ સાયકલ દિવસની હાદિર્ક શુભકામનાઓ! હેપ્પી સાયકલિંગ!
સંયુક્ત રાષ્ટ્ર(UN) દ્વારા દર વર્ષે “વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે એક ખાસ વિષય એટલે કે ‘થીમ‘ નક્કી કરવામાં આવે છે, જે સાયકલના વૈશ્વિક મહત્વને ઉજાગર કરે છે. જુઓ છેલ્લા સાત વર્ષમાં કયા વર્ષે કઈ મુખ્ય થીમ પર ભાર મૂકવામાં આવ્યો: જેમાં વર્ષ 2026 : "હરિયાળા ભવિષ્ય માટે સાઈકલિંગ" (Cycling fro a Greener Future), વર્ષ 2025 : "ટકાઉ ભવિષ્ય માટે સાયકલિંગ"(Cycling fro a Sustainable Future), વર્ષ 2024 : "સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય, સમાનતા અને ટકાઉપણું વધારવું"(Promoting Health, Equity, and Sustainability through Cycling), વર્ષ 2023 : "ટકાઉ ભવિષ્ય માટે સાથે મળીને સવારી કરીએ"(Riding Together fro a Sustainable Future), વર્ષ 2022 : "સાયકલની વિશિષ્ટતા, વિવિધતા અને ટકાઉપણું"(to celebrate the bicycle's roiginality, diversity and endurance being utilised fro mroe than 200 years), વર્ષ 2021 : "પરિવહનના એક સરળ, સસ્તા, ભરોસાપાત્ર અને પર્યાવરણને અનુકૂળ સાધન તરીકે સાયકલની વિશિષ્ટતા, બહુમુખી ઉપયોગિતા અને લાંબુ આયુષ્ય" (Uniqueness, versatility, and longevity of the bicycle as a simple, sustainable, economical, and reliable mode of transprotation), વર્ષ 2020 : " પ્રદૂષણ નહીં, ઉકેલ બનો"(Be Solution, not Pollution).
- પરેશભાઈ બાબરિયા


