સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના સંદેશ સાથે સ્વામિનારાયણ ગુરૂકુળથી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાઈ ભવ્ય યાત્રા

સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના સંદેશ સાથે સ્વામિનારાયણ ગુરૂકુળથી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાઈ ભવ્ય યાત્રા

જૂનાગઢ, તા.૨૬
જૂનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે સંસ્કૃત ભાષાના ગૌરવ અને મહત્ત્વને ઉજાગર કરતી સંસ્કૃત ગૌરવ યાત્રા તથા સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જાેડાઈ સંસ્કૃતમય નારાઓના ગુંજારવ સાથે યાત્રાને જીવંત બનાવી હતી. સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર-પ્રસારના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર માર્ગ પર સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું.
સ્વામિનારાયણ ગુરૂકુળથી શ્રીમતી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલય, સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય, ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ-આઝાદ ચોક, શ્રી એન.પી. ભાલોડિયા હાઈસ્કૂલ, શ્રી સરગવાડા પ્રાથમિક શાળા, શ્રી કન્યા શાળા નં. ૩ તથા શ્રીમતી આર.જે. કનેરિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જાેડાયા હતા.
વિદ્યાર્થીઓએ “ભારતસ્ય ભાષા સંસ્કૃત ભાષા” અને “ધ્યાનસ્ય ભાષા સંસ્કૃત ભાષા” જેવા સંસ્કૃતમય નારાઓ લગાવી યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના નારાઓ અને સંસ્કૃત ભાષા પ્રત્યેના ઉત્સાહથી સમગ્ર માર્ગ સંસ્કૃતમય બની ગયો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર-પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, આ પૈકીની એક મહત્વપૂર્ણ યોજના ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનો તેમજ નવી પેઢીને સંસ્કૃત ભાષા અને તેના સમૃદ્ધ વારસા સાથે જાેડવાનો છે. આજના દિવસે ગુજરાતની વિવિધ શાળાઓ ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પલ્લવીબેન ઠાકર, અધિક નિવાસી કલેક્ટર બી.એસ. બારડ, જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, પૂર્વ ડીઈઓ જાંજરુકિયા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય આશાબેન, આ કાર્યક્રમના જિલ્લા નોડલ ઓફિસર ડૉ કોકિલાબેન ઉંધાડ, ગુરૂકુળના સ્વામીશ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, સ્વામી ઋષિકેશદાસજી સ્વામી, સ્વામી પ્રીતમદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય અશ્વિનભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃત ગૌરવ યાત્રાના સમાપન સમયે કનેરિયા સંસ્થાના પ્રમુખ શિરીશભાઈ સાપરિયા, ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા આચાર્ય સંગીતાબેન મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવ સાથે તેના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સૌને સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.