સાળંગપુરધામમાં ‘કૃતજ્ઞતાનો મહા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ આતશબાજી અને લોકડાયરાથી ભક્તિમય માહોલ છવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે બે દિવસીય ‘કૃતજ્ઞતાનો મહા મહોત્સવ‘ અને હનુમાન જયંતીની ઉજવણીનો અત્યંત દબદબાભેર પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે દાદાના દરબારમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાદાનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દાદાના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાંજના સમયે ‘કિંગ ઓફ સાળંગપુર‘ની ૫૪ ફૂટની પ્રતિમા સમક્ષ ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ એકસાથે આરતી ઉતારી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. રાત્રિના સમયે આકાશમાં અત્યાધુનિક અને રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. સતત ચાલેલી આ ભવ્ય આતશબાજીએ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની હતી. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ભક્તિરસની રમઝટ બોલાવી હતી. કલાકારોએ રજૂ કરેલા ભજનો અને સ્તુતિઓથી ભક્તો ભાવવિભોર બન્યા હતા.આ સમગ્ર મહોત્સવ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગર દાસજી સ્વામી(અથાણા વાળા)ના પ્રેરક માર્ગદર્શન હેઠળ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ હનુમાન જયંતી નિમિત્તે ‘હનુમાન જન્મોત્સવ‘ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો પધારશે.


