આજે સાંજે પાંચના ટકોરે જાહેર ચૂંટણી પ્રચાર પડઘમનો અંત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આવતીકાલે કતલની રાત : રવિવારે મતદાન
રાજયની 15 મહાનગરપાલીકાઓ, 84 નગરપાલીકાઓ, 260 તાલુકા પંચાયત, 34 જીલ્લા પંચાયત મળી કુલ 393 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાનનો તખ્તો તૈયાર : સૌરાષ્ટ્ર-કચ્છની 3424 બેઠકો પર આજે સાંજથી ડોર-ટૂ-ડોર પ્રચાર શરૂ થશે : ઉમેદવારો દ્વારા શામ-દામ-દંડ-ભેદ, તોડ-જાેડની વ્યૂહરચના અપનાવાશે
(બ્યુરો) અમદાવાદ તા.૨૪:
રાજયની 15 મહાપાલિકાઓ, 84 પાલિકાઓ, 260 તાલુકા અને 34 જીલ્લા પંચાયતો મળી 393 સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત જશે અને હવે આજે રાત્રીથી શામ, દામ, દંડ, ભેદની અંતિમ રસમો શરૂ થશે અને હવે ચૂંટણીનો સમગ્ર ભાર કાર્યકરો ઉપર આવી જશે.
આવતી કાલે કતલની રાત બનવાની છે. આજે સાંજે પ્રચાર પૂર્ણ થાય તે પૂર્વે ભાજપ- કોંગ્રેસ- આપ વગેરે એડીચોટીનું જોર લગાવી પૂરી તાકાતથી પ્રચાર કરી મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે છેલ્લા તેર દિવસથી ચાલતો જાહેર પ્રચાર આજે સાંજે 5 વાગે પૂરો થઇ રહ્યો છે. અસહ્ય ગરમી અને નક્કર જાહેર મુદાઓના અભાવ વચ્ચે રાજકીય પક્ષો વિકાસ, આરોપો, પ્રત્યારોપો અને અનેક ઠેકાણે શાસન વિરોધી સૂરના માહેલમાં મતદારોનું મન કળી શકાયું નથી તેનાથી ઉમેદવારોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા કોંગ્રેસ, ભાજપ અને આપ તથા અપક્ષો, અન્ય પક્ષો જાહેર શક્તિપ્રદર્શન, રેલીઓ યોજીને મતદારોને ઢંઢોળવાનો અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા જાહેરસભાઓ, લાઉડ સ્પીકરો દ્વારા થતા પ્રચાર-પ્રસારનો અંત આવશે આવતીકાલે કતલની રાત હોય ઉમેદવારો બેઠકો અંકે કરવા માટે તોડજોડમાં લાગી ગયા છે.


