ઇન્ડિયા ટુડે યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્તરે 29મું સ્થાન મેળવ્યું, જ્યારે ‘કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ’માં સમગ્ર દેશમાં 10મો ક્રમ હાંસલ કર્યો

ઇન્ડિયા ટુડે યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોટી સિદ્ધિ

જૂનાગઢ, તા. 11
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ‘MDRA-India Today University Rankings 2026’ની નવીનતમ રેન્કિંગમાં યુનિવર્સિટીએ દેશની શ્રેષ્ઠ સામાન્ય સરકારી યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય સ્તરે 29મું સ્થાન મેળવ્યું છે. આ સાથે ગુજરાતની સામાન્ય સરકારી યુનિવર્સિટીઓમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી છે, જ્યારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની શ્રેણીમાં તેને બીજું સ્થાન મળ્યું છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય રેન્કિંગમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં યુનિવર્સિટી 31મા ક્રમે હતી, ત્યારબાદ 2025માં 30મું સ્થાન મેળવ્યું હતું. હવે 2026ની રેન્કિંગમાં વધુ એક ક્રમનો સુધારો કરીને 29મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે યુનિવર્સિટીએ કુલ 2000માંથી 996 ગુણ મેળવ્યા છે.
ઇન્ડિયા ટુડેની આ રેન્કિંગમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓનું વિવિધ મહત્વપૂર્ણ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રતિષ્ઠા અને સુશાસન, શૈક્ષણિક તથા સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠતા, માળખાકીય સુવિધાઓ અને કેમ્પસ જીવન, વ્યક્તિત્વ અને નેતૃત્વ વિકાસ તેમજ કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ જેવા પાંચ મુખ્ય માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને ‘Career Progression & Placement’ કેટેગરીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ માપદંડ હેઠળ યુનિવર્સિટીએ 138.7 ગુણ મેળવીને સમગ્ર દેશમાં 10મું સ્થાન હાંસલ કર્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે કારકિર્દી માટે યોગ્ય તકો અને પ્લેસમેન્ટની દિશામાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા પ્રયાસોને આ રેન્કિંગમાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત રેન્કિંગના અન્ય માપદંડોમાં પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ અગાઉની સરખામણીએ કામગીરીમાં સુધારો નોંધાવ્યો છે. સતત રાષ્ટ્રીય રેન્કિંગમાં આગળ વધતી આ સિદ્ધિ યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ સિદ્ધિ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન અને સહયોગ મળવાથી યુનિવર્સિટીને આગળ વધવામાં મદદ મળી છે. તેમણે યુનિવર્સિટીના અધ્યાપકો, વૈજ્ઞાનિકો અને સમગ્ર ટીમની મહેનતને બિરદાવી હતી.
કુલપતિએ ભવિષ્યમાં પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વધુ નવી સિદ્ધિઓ હાંસલ કરે તે માટે સૌએ સંકલિત પ્રયાસો સાથે કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રીય સ્તરે સતત સુધરતી રેન્કિંગ અને પ્લેસમેન્ટ ક્ષેત્રે મળેલા સ્થાનથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની શૈક્ષણિક ઓળખને વધુ મજબૂતી મળી છે.