ઉના નેશનલ હાઇવે બાય પાસ રોડ ઉપર આગળ જતા ટ્રેક્ટર પાછળ દીવથી આવતી બોલેરો ભટકાતા એકનું મોત : ત્રણ ઇજાગ્રસ્ત, એક ગંભીર
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.પ
ઉના-ભાવનગર નેશનલ હાઇવે બાયપાસ રોડ ઉપર વિજય પબ્લિક સ્કૂલ અને વરસીંગપુર ફાટક વચ્ચે એક પથ્થર ભરેલ ટ્રેક્ટર જતું હતું ત્યારે તડ ચેક પોસ્ટ તરફથી આવતી અને ધારી બગસરા તરફ જતી પુર ઝડપે આવતી બોલેરો વાન નંમ્બર જીજે-૧૩-સીસી-૯૫૬ના ચાલકે ટ્રેક્ટરની પાછળ ભટકાવતા બોલેરોનો આગળનો ભાગ ભાંગી તૂટી ગયો હતો. જોરદાર ધડાકો થતા લોકો ભેગા થઇ ગયા હતા. પોલીસને જાણ કરતા બોલેરોમાં મુસાફરી કરી રહેલ ચાર યુવાનોને બહાર કાઢેલ અને ઉના હોસ્પટલે સારવાર માટે ખસેડેલ હતા. જેમાં બોલેરો ચાલાક ક્રિપાલ જ્યંતિભાઈ ડાભી(ઉ.વ.૩૦) રે. ગુંદાળા તા. ગોંડલને ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. જયારે તેમના મિત્ર જીજ્ઞેશભાઈ પરબતભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે. જયારે કુલદીપભાઈ કિશોરભાઈ ગણાત્રા (ઉ.વ.૨૯) રે. ગુંદાળા, મનસુખભાઇ છગનભાઈઠુંમર ખાણીયાને ઈજાઓ પહોંચતા સારવાર ચાલુ છે. આ અંગે જીજ્ઞેશભાઈએ જણાવેલ કે શનિવારે મિત્રો સાથે દીવ કલેક્ટર કચેરીમાં કામ હોય ગયેલ હતા અને કામ પતાવી દીવથી રાત્રે આવતી વખતે તડ ચેક પોસ્ટ થઇ નેશનલ હાઇવે રોડ ઉપર ધારી બગસરા જવું હોય બોલેરો ક્રિપાલ જેન્તીભાઇ ડાભી ચલાવતો હતો. ત્યારે વિજય પબ્લિક સ્કૂલ અને વરસીંગ પુર ફાટક વચ્ચે બોલેરો પહોંચતા આગળ જતા પથ્થર ભરેલ ટ્રક્ટર ટ્રોલી સાથે પાછળથી બોલેરો ભટકાતા અકસ્માત થયો હતો. આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક ક્રિપાલ જેન્તીભાઈ ડાભી સામે અકસ્માત કરી પોતાનું મોત નીપજાવી ત્રણને ઈજાઓ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ક્રિપાલ તેમના પિતાનો એક દીકરો હતો અને ક્રિપાલને એક દીકરો અને એક દીકરી છે. તેમના અવસાનથી બન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ક્રિપાલ ગુંદાળા ગામના સરપંચ ગોરધનભાઈ ડાભીનો ભત્રીજો હોવાનું જાણવા મળેલ છે. ગુંદાળા ગામે યુવાનનું મોત થતા શોકમય વતાવરણ થઇ ગયું છે. પોલીસે ક્રિપાલના લોહીના નમૂના લઇ ટેસ્ટ કરવા મોકલી આપેલ છે. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ઉનાના પી.એસ.આઈ. એચ.પી. સરવિયા કરી રહ્યા છે.


