ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામની સીમમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
ઉના તા.15
અખબારી અહેવાલને જાણે સમર્થન મળતું હોય તેમ ઉના ગીરગઢડા તાલુકામાં નશીલા પદાર્થો ગાંજાનું વાવેતર અને વેચાણ થતું હોય, નશીલા પદાર્થોનું એ. પી. સેન્ટર બની ગયું છે.
ગત તા.8/7/26ના જૂનાગઢ જિલ્લાની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી. બારોટએ ઉનાના જાેડિયા હનુમાન મંદિરના પરિસરમાં 4 લાખ 41 હજાર 650 રૂપિયાનો ગાંજાે પકડી પાડ્યો હતો. જિલ્લા પોલીસ પોતાની આબરૂ બચાવવા જિલ્લાની સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસ બ્રાન્ચને નશીલા પદાર્થો ગાંજાે પકડવા સૂચના આપેલ હોય, જેમાં ગઈકાલે શાહ ડેસર ગામે 205 ગ્રામ ગાંજા સાથે એક ખેડૂતને પકડી લીધો હતો. વધુ એક વખત ગઈકાલે જિલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ દિલીપભાઈ મુળુભાઇ કાગડા અને મહિલા પી.એસ.આઇ. રીનાબેન હાજાભાઈ સુવા, એએસઆઇ પ્રતાપસિંહ માનસિંહ અને હેડ કોન્સ્ટેબલ સરમણભાઇ ભોપાભાઈ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઝુડવડલી ફાટસર જતા રોડ ઉપર રાધે ગૌશાળાની બાજુમાં 66 કેવી વીજપોલ પાસે આવેલ અવેડા પાસે એક શખ્સ માદક પદાર્થ વેચવાની પેરવી કરે છે. તેથી તુરંત સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામના રાજાભાઈ માલાભાઈ મકવાણા (ઉ.વ.58) એક પ્લાસ્ટિકની ઝબલા થેલીમાં માદક પદાર્થો ગાંજાનો જથ્થો લઈ બેઠો હતો અને વેચવાની પેરવી કરતો હતો ત્યારે પોલીસે તેને પૂછપરછ કરતા થેલીમાં 455 ગ્રામ માદક નશીલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. અને તેને એફ.એસ.એલ. લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે ગાંજાે હોય તેને કપડાની થેલીમાં સીલ કરી રૂા. 22,750/નો ગાંજાે અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.26,750 જથ્થો કબજે કરી ગીરગઢડા પોલીસ સ્ટેશન લાવી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ જણાવેલ કે આરોપી રાજાભાઈ માલાભાઈ મકવાણા રે.ઝુડવડલીવાળો પોતાના ભોગવટા ખેતરમાં અન્ય પાકની આડશમાં માદક નશીલો ગાંજાે (મારીજુઆના/ હશીશ)નું વાવેતર કરી વનસ્પતિજન્ય લીલા છોડ સુકવી વેપાર કરવાની ટેવ ધરાવે છે. આ અંગે પોલીસ આરોપી પાસે માહિત મેળવી રહી છે.


