જૂનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવનો થયેલ પ્રારંભ

પ્રથમ દિવસે પ્રમુખ સ્વામી મહારાજનાં ઘરસભાનાં વિચારને અપનાવી ઘરને મંદિર બનાવવા અનુરોધ

જૂનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવનો થયેલ પ્રારંભ

જૂનાગઢ તા. રપ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ દ્વારા જૂનાગઢનાં આંગણે પાટોત્સવ પ્રસંગ અંતર્ગત માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સરદારબાગ નજીક આવેલ હવેલીવાડીની જગ્યા ખાતે ગઈકાલે ભારે ઉત્સાહમય રીતે માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં બીએપીએસનાં યુવકોનાં કિર્તનગાન અને સંતો દ્વારા કરવામાં આવેલા વૈદોકત મહાપૂજા વિધિથી કરવામાં આવી હતી. આ મહોત્સવનું ઉદઘાટન પૂ. અપુર્વમુની સ્વામીની નિશ્રામાં જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયા, કમિશ્નર તેજસ પરમાર, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને ચેતનભાઈ ફડદુનાં હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું. ગઈકાલે માનવ ઉત્કર્ષ મહોત્સવનાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. પ્રથમ દિવસે પ્રવચનમાં પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અને પ્રવચનનો વિષય સબ દર્દો કી દવા હતો. અપૂર્વ મુની સ્વામીએ જણાવ્યું કે આજનાં યુગમાં આપણે સાધન અને મકાનોના ઉત્કર્ષ કર્યો છે. પરંતુ માનવતા અને વિચારધારાનો ઉત્કર્ષ બાકી છે. તેમણે ઉમેર્યુ કે દુનિયામાં પ્રશ્નો માનવતાના અભાવે છે અને પ્રભુ પ્રિય થવું સહેલું છે. પણ પરીવાર પ્રિય થવું કઠણ છે. સમાજના આ દર્દના ઉપાય તરીકે તેમણે પ્રમુખ સ્વામી મહારાજે આપેલોલ ક્રાંતિકારી વિચાર ઘરસભામાં રજુ કર્યો હતો. જાે પરીવારના સભ્યો રોજ સાંજે ભેગા મળીને શાસ્ત્રોનું વાંચન કરે અને જીવનમાં મિલન, મદદ, મહિમા તથા માફી જેવા ચાર ‘મ’ રાખે તો ઘર સ્વર્ગ અને મંદિર બની શકે છે. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જૂનાગઢવાસીઓ આ પ્રવચનથી મંત્રમુગ્ધ થયા હતાં.