જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં ‘કાળઝાળ’ ગરમી : જનજીવન પ્રભાવિત
વૈશાખ માસ એટલે લગ્નગાળાની ભરપુર મોસમ, ગરમીને ધ્યાને લઈ રાત્રીના ઠેર-ઠેર લગ્ન સમારોહનાં આયોજનો
જૂનાગઢ તા. ર૫
વૈશાખ માસની શરૂઆતમાં જ કાળાઝાળ ગરમી શરૂ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારો બપોરનાં સમયે સુમસામ બની છે. ખાસ કરીને વૈશાખ માસ એટલે લગ્નગાળાની ભરપુર મોસમ ગણાય છે. આ દિવસોમાં સંખ્યાબંધ લગ્નો હોય પરંતુ સંભવિત અતીશય ગરમીનાં આક્રમણને ધ્યાને લઈ ગરમીના દિવસોમાં લગ્ન સમારોહ રાત્રીના સમયે યોજવા માટેનાં આયોજનો કરવામાં આવ્યા છે. અને મોટાભાગનાં શહેરોમાં રાત્રીનાં લગ્ન સમારોહ યોજવા માટેનાં પાર્ટીપ્લોટમાં બુકીંગ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ઉનાળો અગનઝાળ બન્યો છે. આકાશમાંથી અગનવર્ષા થતી હોવાનાં કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. બપોરનાં ૧થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી બજારોમાં કર્ફયુ જેવી સ્થિતી સર્જાતા બજારો બપોરના સમયે સુમસામ જાેવા મળે છે. ઉપરાંત અતિશય ગરમી પડવાની આગાહીને પગલે લગ્ન સમારોહ રાત્રીનાં યોજાઈ તે માટેનાં આયોજનો સાથે પાર્ટીપ્લોટ બુક કરવામાં આવ્યા છે. ચૈત્ર માસથી જ દનીયા શરૂ થતાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું હતું. છેલ્લા પંદર દિવસ ચૈત્ર માસનાં ખુબજ આકરા બન્યા હતા. તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થતાં ‘અગનઝાળ’ વચ્ચે જનજીવન શેકાયું હતું. ચેત્ર માસ પુરો થતાં વૈશાખીનાં શરૂઆત સાથેજ તાપમાનમાં વધારો રહયો છે. સવારથીજ આકાશમાંથી અગ્નીવર્ષા થતી હોય લોકો સખ્ત તાપનો સામનો કરી રહયા છે. અભ્યાસ કરતા મોટાભાગનાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પુર્ણ થઈ રહી છે અને ઉનાળું વેકેશન શરૂ થવાનાં દિવસો દુર નથી પરંતુ આ વખતે શરૂઆતથી અસહય ગરમી અને ઉકળાટ જેવા વાતાવરણ વચ્ચે લોકો કામ સિવાય બપોરનાં સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી અને વેકેશનમાં ફરવા જવાનાં આયોજનો પણ હાલ પડતા મુકાયા છે. જૂનાગઢની બજારોમાં બપોરના સમયે એટલે કે ૧ થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન લોકોની પાંખી અવરજવરને કારણે બજારો સુમસામ ભાસે છે. જયારે સૌરાષ્ટ્રનાં અન્ય મોટા શહેરોની પણ આજ હાલત રહેલી છે. દરમ્યાન નિષ્ણાંત તબીબો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આમ જનતા માટે સતત સુચનાઓ જારી કરવામાં આવી રહી છે અને ગરમીથી બચવા તેમજ લુથી બચવાનાં ઉપાયો દર્શાવવામાં આવી રહયા છે. તો અચાનક કોઈને ગરમીને કારણે તબીયત બગડે તો તાત્કાલીક તબીબનો સંપર્ક સાધવા જણાવેલ છે. હાલ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડીગ્રી અથવા તો ૪ર ડીગ્રી સુધી પહોંચતું રહયું છે અને આગામી તા.ર૯ એપ્રિલથી ૧ર મે સુધી તાપમાન ૪પ ડીગ્રી સેલ્શીયસથી પપ ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે. અને સાવચેતી માટે હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે. ૪૦ થી ૪ર ડીગ્રી તાપમાનમાં શહેરો શેકાઈ રહયા છે. ત્યારે ૪પથી પપ ડીગ્રી સુધી તાપમાન જાય તો શું પરિસથિતી સર્જાઈ તેની કલ્પના કરવીજ રહી. દરમ્યાન એકતરફ ગરમીનું વધતું જતું પ્રમાણ અને સાથેજ લગ્નગાળાની મોસમ પણ શરૂ થઈ છે.
આગામી દિવસોમાં ઠેર-ઠેર લગ્ન સમારોહનાં કાર્યક્રમો યોજાશે ત્યારે લગ્નગાળાની શરૂ થયેલી સિઝનમાં પણ ગરમીની અસર પડશે. તેમજ ગરમીનાં પ્રકોપ સામે રાત્રીના લગ્ન સમારોહ, રીસેપ્સન સહીતનાં કાર્યક્રમોનાં આયોજનો કરવામાં આવી રહયા છે. વૈશાખ માસ દરમ્યાન શુભ લગ્નનાં મુહુર્તોમાં સંખ્યાબંધ પરિવારો દ્વારા લગ્ન સમારોહ સારી રીતે ઉજવી શકાય, મહેમાનોની સરભરામાં કોઈ ઉણપ ન રહે, અને લગ્ન સમારોહની મોજ માણી શકાય તે માટેનાં આયોજન ખાસ રાત્રીના કરવામાં આવે છે. અને પાર્ટીપ્લોટમાં લગ્ન સમારોહ ગોઠવાઈ રહયા છે.


