‘ટોક્સિક’ને લઈને તારા સુતારિયા ઉત્સાહિત, કહ્યું- ‘આ એક એવું સપનું છે, જે આપણે સૌએ જોયું છે’

ટ્રેલર રિલીઝ બાદ ફિલ્મ ચર્ચામાં, તારા સુતારિયાએ ‘ટોક્સિક’ સાથેના પોતાના ભાવનાત્મક જોડાણ વિશે કરી વાત

‘ટોક્સિક’ને લઈને તારા સુતારિયા ઉત્સાહિત, કહ્યું- ‘આ એક એવું સપનું છે, જે આપણે સૌએ જોયું છે’

મુંબઈ, તા. 12
ગીતુ મોહનદાસના દિગ્દર્શનમાં બની રહેલી એક્શન ફિલ્મ ‘ટોક્સિક’નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ, એક્શન સિક્વન્સ અને પ્રોડક્શન ડિઝાઇને સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં તારા સુતારિયાની હાજરી પણ ચર્ચાનું કારણ બની છે અને તેના પાત્રને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.
બેંગલુરુમાં યોજાયેલા ટ્રેલર લોન્ચ દરમિયાન તારા સુતારિયાને તેની ડિઝની પ્રિન્સેસ જેવી ઇમેજ અને પરીકથાઓથી અલગ ‘ટોક્સિક’ જેવી એક્શન ફિલ્મ પસંદ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં અભિનેત્રીએ ફિલ્મ સાથેના પોતાના ખાસ જોડાણ વિશે વાત કરી હતી.
તારાએ જણાવ્યું કે ડિઝનીની જૂની પરીકથામાં આવતું ‘સપનું એ તમારા મનની એક ઇચ્છા હોય છે’ જેવું વાક્ય ‘ટોક્સિક’ માટે એકદમ યોગ્ય લાગે છે. તેના મતે આ ફિલ્મ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ સમગ્ર ટીમનું એક સામૂહિક સપનું છે. ટીમની ઈચ્છા હતી કે તેઓ એવી ફિલ્મનો ભાગ બને, જે અસાધારણ હોય અને દરેક વ્યક્તિ માટે અલગ રીતે ખાસ સ્થાન ધરાવતી હોય.
તારાએ વધુમાં જણાવ્યું હતું કે ‘ટોક્સિક’ જેવી અદ્ભુત વાર્તાનો ભાગ બનવાની તક મળતાં તે ખૂબ જ ભાવુક અને અભિભૂત અનુભવે છે. ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની મહેનત અને સામૂહિક પ્રયાસોને કારણે આ પ્રોજેક્ટ તેના માટે ખૂબ જ ખાસ બની ગયો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
તારાના આ નિવેદન પરથી ફિલ્મ પ્રત્યેનો તેનો ઉત્સાહ અને ભાવનાત્મક જોડાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. ફિલ્મમાં તે રેબેકાના પાત્રમાં જોવા મળશે અને ટ્રેલર સામે આવ્યા બાદ તેની સ્ક્રીન પ્રેઝન્સની પણ ચર્ચા થઈ રહી છે. એક્શન, ભવ્ય સેટ્સ અને અલગ પ્રકારની વાર્તાને કારણે ‘ટોક્સિક’ને લઈને દર્શકોમાં પહેલેથી જ રસ જોવા મળી રહ્યો છે.
‘ટોક્સિક’ 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરને મળી રહેલા પ્રતિસાદ બાદ હવે દર્શકોને ફિલ્મના રિલીઝની રાહ છે.