દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા પડેલા મધ્યપ્રદેશના યુવકનું દરિયામાં ડૂબી જવાથી મોત
(પ્રતિનિધી દ્વારા)
દ્વારકા તા.15
મધ્યપ્રદેશથી દ્વારકા આવેલા ચાર મિત્રો પૈકી એક યુવકનું દરિયાના મોજામાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે. શિવરાજપુર બીચ પર ન્હાવા પડેલા યુવકો દરિયાના તેજ પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા.મધ્યપ્રદેશના ચાર મિત્રો શિવરાજપુર બીચ પર મસ્તી કરી રહ્યા હતા, ત્યારે દરિયામાં અચાનક કરંટ આવતા તેઓ પાણીના વહેણમાં ગરકાવ થયા હતા. આ સમયે ત્યાં હાજર અન્ય યાત્રિકોએ સમયસૂચકતા વાપરી માનવ સાંકળ બનાવીને ત્રણ યુવકોના જીવ બચાવી લીધા હતા, પરંતુ 18 વર્ષીય પ્રશાંત ગૌર નામનો યુવક લાપતા બન્યો હતો.ઘટનાની જાણ થતા જ દ્વારકા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાપતા યુવકની શોધખોળ હાથ ધરી હતી. લગભગ 12 કલાક બાદ પ્રશાંત ગૌરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.સમગ્ર મામલે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી છે.


