ગીર ગઢડાના થોરડી ગામે દિપડાએ ત્રણ ખેડૂત અને એક વનકર્મીને ઘાયલ કરતા સારવાર અર્થે ખસેડાયા
(પ્રતિનિધી દ્વારા)
ઉના તા.15
ગીર ગઢડા તાલુકા અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા અને સિંહ અને જંગલી પ્રાણીઓના હુમલાના બનાવો ચિંતા જનક વધી રહ્યા છે. ખેડૂતો રાત્રે તો ઠીક દિવસે પણ ખેતરમાં કામ કરવા ભય લાગે છે. તેમાં આજે સવારે 9 વાગે ગીર ગઢડા તાલુકાના થોરડી ગામની સીમમાં આવેલ વાડીમાં કેળાનું વાવેતર કરેલ હોય માલાભાઈ લાખાભાઇ મોઢકિયા ઉ.વ. 48 અને તેમનો ભત્રીજો દિવ્યેશ જેન્તી ભાઈ મોઢકિયા કેળાના વાવેતરમાં કામ કરતા હતા ત્યારે વાવેતરમાં છુપાયેલ દીપડાએ પ્રથમ માલાભાઈ ઉપર અને પછી દિવ્યેશ ઉપર હુમલો કરી પંજાના નહોર ભરાવી હાથમાં ખંભામાં ઇજા કરી હતી રાડા રાડિ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા દીપડો બન્નેને છોડી નાસી ગયો હતો. બન્ને ને સારવાર માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને દોઢ કલાક બાદ બાજુની વાડીમાં કામ કરતા તેમના પરિવારના કેશુભાઈ નારણ ભાઈ મોઢકિયા ઉપર આજ દિપડાએ કેશુભાઈ ઉપર હુમલો કરી ગળાના ભાગે બચકું ભરી લોહી લુહાણ કરી નાખેલ હતા. તેમને પણ ગીર ગઢડા સારવાર માટે ખસેડાયા હતા. આજે ત્રણ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા લોકોમા ફફડાટ અને ભય ફેલાયો છે. દીપડાની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ગીર વન વિભાગના કર્મચારીઓએ દીપડાને પકડવા વાડીની આજુબાજુ પાંજરા ગોઠવી દીધા છે. જેમાં એક પાંજરા પાસે દીપડો આવી ત્યાંથી નાસી ગયો હતો. ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે દીપડાને પાંજરે પુરવા સર્ચ કરતા વન વિભાગના રોજમદાર કર્મચારી મનુભાઈ ખોડુભાઈ ખસીયા ઉપર હુમલો કરી આંગળીમાં ઇજા પહોંચાડી એકજ દિવસમાં એક દિપડાએ ચાર વ્યક્તિ ઉપર હુમલો કરતા આદમ ખોર દીપડાને પકડી પાડવા વન વિભાગ સક્રિય બન્યું.


