ભારતને ગંભીર કટોકટીમાંથી બચાવવા ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ રૂા.1700 કરોડનો ખર્ચ
નવી દિલ્હી તા.11
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, સરકારી માલિકીની તેલ કંપનીઓ હવે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના સ્થિર ભાવ જાળવવા માટે ભારે કિમત ચૂકવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની સરકારી માલિકીની તેલ માર્કેટિગ કંપનીઓ (OMCs) દરરોજ આશરે રૂા.1,600 થી રૂા. 1,700 કરોડનો અંડર-રિકવરી બોજ સહન કરી રહી છે. છેલ્લા 10 અઠવાડિયામાં આ કુલ નુકસાન રૂા.1 લાખ કરોડને વટાવી ગયું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે: આ કંપનીઓ આ નાણાકીય દબાણનો સામનો કેટલો સમય કરી શકશે. અંડર-રિકવરી એટલે તેલ કંપનીઓના ખર્ચ અને ગ્રાહકોને વેચવામાં આવતી કિમત વચ્ચેનો તફાવત.
રાજ્ય માલિકીની તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL), અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો હોવા છતાં, જૂના ભાવે પેટ્રોલ, ડીઝલ અને LPG સપ્લાય કરવાનું ચાલુ રાખે છે.


