ભારત છોડ્યા બાદ પણ સાયબર બુલિંગથી પીછો ન છૂટ્યો, મંદાના કરીમીનો છ વર્ષથી સ્ટોકિંગ થવાનો દાવો
પૂર્વ પતિથી અલગ થયા બાદ ઓનલાઈન ત્રાસ શરૂ થયાનો અભિનેત્રીનો આરોપ; સ્ટોકરની ભાળ મેળવવા પ્રોફેશનલ જાસૂસની મદદ લીધી હોવાનો ખુલાસો
મુંબઈ, તા.૨
‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક અને બોલિવૂડ અભિનેત્રી મંદાના કરીમીએ સોશિયલ મીડિયા પર પોતાના જીવન સાથે જોડાયેલો ગંભીર મામલો જાહેર કર્યો છે. મંદાનાના દાવા પ્રમાણે તે છેલ્લા છ વર્ષથી સાયબર બુલિંગ, ઓનલાઈન ઉત્પીડન અને સ્ટોકિંગનો સામનો કરી રહી છે. ભારત છોડીને દુબઈ ગયા બાદ પણ આ ત્રાસ ચાલુ રહ્યો હોવાનું તેણે જણાવ્યું છે.
મંદાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો અને સ્ક્રીનશોટ શેર કરીને સમગ્ર મામલા અંગે વાત કરી છે. તેના આરોપ મુજબ કોઈ અજાણી વ્યક્તિ લાંબા સમયથી તેની કારકિર્દી અને અંગત જીવનને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરી રહી છે.
અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૮માં પૂર્વ પતિ ગૌરવ ગુપ્તાથી અલગ થયા બાદ આ પ્રકારની ઘટનાઓ શરૂ થઈ હતી. તેણે દાવો કર્યો કે અજાણી વ્યક્તિ તેના મિત્રો ઉપરાંત તેની સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા લોકોનો સંપર્ક કરે છે અને તેના વિશે ખોટી તથા ભ્રામક વાતો ફેલાવે છે. આ રીતે તેની કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થતો હોવાનો મંદાનાનો આરોપ છે.
મંદાનાએ એવો પણ દાવો કર્યો છે કે અજાણ્યા એકાઉન્ટ્સ મારફતે અનેક વખત પૈસાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર પરિસ્થિતિ અંગે તેણે ભાવુકતા સાથે કહ્યું કે તેને સમજાતું નથી કે કોઈ વ્યક્તિ તેની સામે આટલી નફરત શા માટે રાખે છે અને તેને બેઘર તથા બેરોજગાર જોવા માટે કેમ પ્રયાસ કરી રહી છે.
આ મામલે મંદાનાએ વધુ એક ખુલાસો કરતાં જણાવ્યું કે કેટલાક વર્ષ પહેલાં તેણે કથિત સ્ટોકર સુધી પહોંચવા માટે એક પ્રોફેશનલ જાસૂસની મદદ પણ લીધી હતી. તેના દાવા પ્રમાણે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિએ તેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને ઓનલાઈન ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે એક કથિત ‘પ્રોફેશનલ હેકર’ને પૈસા આપ્યા હતા.
મંદાનાના જણાવ્યા મુજબ ‘મીનાક્ષી’ નામના એક ફેક ઈમેઈલ આઈડી મારફતે તેના સંપર્કમાં આવતા જાણીતા લોકોને ભ્રામક અને વિવાદાસ્પદ સંદેશાઓ મોકલવામાં આવતા હતા. અભિનેત્રીએ હવે આ મામલો જાહેર કરીને લાંબા સમયથી પોતે જે પરિસ્થિતિનો સામનો કરી રહી હોવાનો દાવો કરે છે તેની જાણકારી પોતાના ફોલોઅર્સ સાથે શેર કરી છે.
જોકે, મંદાના કરીમી દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. તેણે જે અજાણી વ્યક્તિ અને કથિત હેકર અંગે દાવા કર્યા છે, તેમની ઓળખ કે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી હોવાની માહિતી પણ હાલ ઉપલબ્ધ નથી.


