મુંબઈના સિધ્ધી વિનાયક મંદિરની રેકોર્ડબ્રેક રૂા.182 કરોડની આવક નોંધાઈ
મુંબઈ તા.૩
વર્ષ 2025-26માં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની આવકનો આંકડો અત્યાર સુધીની મંદિરની આવકના ઇતિહાસમાં સૌથી ઊંચો રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં 37 ટકાના વધારા સાથે આ વર્ષે મંદિરને 182 કરોડ રૂપિયાની આવક થઈ છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા અંદાજિત 155 કરોડ રૂપિયાની આવક સામે વાસ્તવિક આવક 182 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે મંદિરના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગયા વર્ષે 2024-25માં મંદિરની આવક 133 કરોડ રૂપિયા રહી હતી. મહારાષ્ટ્ર સરકાર હસ્તકના આ મંદિર ટ્રસ્ટની બેઠકમાં અધ્યક્ષ સદાનંદ સરવણકર અને કાર્યકારી અધિકારી વીણા પાટીલ દ્વારા આ નાણાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. મંદિરની આવકમાં થયેલા આ વધારા પાછળ શ્રદ્ધાળુઓ દ્વારા દાનપેટીમાં કરાતું દાન, વિશેષ પૂજા અને લાડુ તથા કોપરાપાકના પ્રસાદના વેચાણ દ્વારા થતી આવક મુખ્ય સ્રોત રહ્યા છે. આ ઉપરાંત ભક્તો દ્વારા ચડાવવામાં આવતાં સોના-ચાંદીનાં આભૂષણોની હરાજી પણ આવક વધારવામાં મદદરૂપ થઈ છે.


