ગેસના ભાવ વધતા હોટલ-રેસ્ટોરન્ટના ઓપરેટીંગ ખર્ચમાં વધારો : ખાણી-પીણી મોંઘી બનશે
(એજન્સી) મુંબઈ,તા.૦૩:
કમશિર્યલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નાં સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં થયેલા તોતિગ વધારા બાદ હવે હોટેલ અને રેસ્ટોરાંના મેનુમાં પણ તોતિગ ભાવવધારો ઝીંકાય એવી શક્યતા હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI)એ દર્શાવી છે. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે પહેલેથી જ સંકટનો સામનો કરી રહેલા હોસ્પિટલિટી ક્ષેત્ર પર હવે ઑપરેટિગ ખર્ચમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થયો છે. આ વધારાના બોજને પહોંચી વળવા માટે ખાણી-પીણીના ભાવ વધારવા અનિવાર્ય થઈ ગયા છે.
હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયાના પ્રવક્તા પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે જ્યાથી યુદ્ધ શરૂ થયું ત્યારથી હોસ્પિટલિટી સેક્ટરના સંચાલનખર્ચમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. અવારનવાર લોકડાઉન જેવી સ્થિતિ, કામકાજના મર્યાદિત કલાકો, મેનુમાં ફેરફાર અને રસોઈ માટે વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવાને કારણે આર્થિક બોજ વધ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં સતત વધી રહેલા ખર્ચના બોજને આંશિક રીતે સરભર કરવા હોસ્પિટલિટી એકમો પાસે મેનુના ભાવમાં વધારો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.


