રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
રિલાયન્સ પરિવાર પર દ્વારકાધીશની સદાય કૃપા રહી છે : પરિમલભાઈ નથવાણી
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૯
યાત્રાધામ દ્વારકામાં આવેલા જગપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા પરિમલભાઈ નથવાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. કાળિયા ઠાકોરના ચરણે શીશ નમાવી તેમણે ધન્યતા અનુભવી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
દર્શન બાદ પરિમલભાઈ નથવાણીએ પોતાની આસ્થા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી દ્વારકાધીશના દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવતા રહ્યા છે. દ્વારકાધીશની કૃપા રીલાયન્સ પરિવારના તમામ સભ્યો પર હંમેશાં રહી છે અને ભગવાનની કૃપા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતી રહી છે. હાલમાં દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભગવાન દ્વારકાધીશ સૌના માટે યોગ્ય માર્ગ કાઢશે અને સૌને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ આપશે. તેમની વાતોમાં દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસની ઝલક જાેવા મળી હતી. આ પ્રસંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ખાતે જગતમંદિરના વહીવટદાર, પ્રાંત અધિકારી ગઢવી, ડીવાયએસપી સાગર રાઠોડ સહિતના અધિકારીઓ દ્વારા પરિમલભાઈ નથવાણીનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ તેમને દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી તથા ભગવાનની છબી અર્પણ કરીને બહુમાન કર્યું હતું.


