સરકારને ૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું, સહાય નહિ તો થશે ઉગ્ર આંદોલન: ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો

સરકારને ૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું, સહાય નહિ તો થશે ઉગ્ર આંદોલન: ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો
GujaratSamachar English

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૩
ગુજરાતના માથે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઉભા પાકને નુકસાની સર્જાઈ છે. સતત પડી રહેલા વરસાદથી ખેતરમાં જ પાક ધોવાઈ ગયા છે. માવઠાથી ખેડૂતોની કરેલા ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ છે. અને હજી પણ માવઠાનું સંકટ માથે મંડરાઈ રહ્યું છે. આવામાં ગુજરાતના ખેડૂતો સરકાર પાસે સહાયની મદદ માંગી રહ્યા છે. ખેડૂતોનો દબાયેલો અવાજ આજે ગાંધીનગર પહોંચ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં દેવા માફીની માંગણી કરી. 
કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન બાબતે ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ૭ ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. ખેડૂતો ઢોલ નગડા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ ચીમકી આપી કે, જાે સરકાર ખેડૂત બાબતે ર્નિણય નહિ લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમે નેશનલ હાઇવે નંબર ૮ બ્લોક પણ કરવાની ફરજ પડશે તો અમે કરીશું. 
ખેડૂતોએ સરકારને ૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ શાકભાજીની તમામ માર્કેટ બંધ કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી છે. તાત્કાલિક સર્વે કરવાની માંગ સાથે છાલા ગામના ખેડૂતોએ કલેક્ટરને રજુઆત કરી છે. 
ગુજરાતના મોટાભાગના ખેડૂતો અત્યારે પાયમાલી તરફ છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મહા મહેનતે પકવેલો પાક હવે પાણી પાણી થઈ ગયો છે. જગતના તાત માટે સમસ્યા એ જ છે કે શું ખાવું અને શું વેચવુ? અમદાવાદના જેતલપુર ગામમાં રહેતા અંકિત પટેલે અઢી વિધામાં ડાંગરનો પાક લીધો હતો. તેમણે વિધા દીઠ ૨૦ હજારની લોન લઈને પાક લીધો હતો. પણ કમોસમી વરસાદના કારણે સમગ્ર પાક પડી ગયો છે. 
હવે તેમના ઘરમાં અનાજ આવે તેટલી પણ આવક આવવાની નથી. અંકિત પટેલ કુટુંબના ચાર સભ્યોમા એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેમની બે દીકરીઓને તેઓ ભણાવવા માંગે છે પણ સતત ત્રણ વર્ષથી કમોસમી વરસાદના કારણે પાક ધોવાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પાયમાલી ભોગવી હવે તેવો કંટાળી ચૂક્યા છે.
 તમને કહ્યું છે કે કુદરત તો તેમનાથી રિસાઈ છે એવામાં એકમાત્ર અપેક્ષા તેઓ સરકાર સાથે રાખી રહ્યા છે. 
તો અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કમોસમી વરસાદથી ખેડુતોના નુકસાન મુદ્દે આક્રમક બનવાની વાત કરી. તેમણે સાધુ સંતો અને ઉદ્યોગપતિઓને ખેડૂતોનો અવાજ બનવા હાંકલ કરી. ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે, ઓનલાઇન સર્વે એ ખેડૂતોને ગુમરાહ કરવાનું ગતકડું છે. ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે. આગામી ૩ નવેમ્બરથી કોંગ્રેસ જિલ્લામાં ધરણા પ્રદર્શન યોજશે. ખેડૂતોને નુકસાન મુદ્દે સરકારને ઘેરીશું. 
મહેસાણાના ધારાસભ્ય મુકેશ ડી. પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, તેમના મહેસાણા વિધાનસભા મતવિસ્તારમાં જુવાર, બાજરી, કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોનું વાવેતર થયું છે. દુર્ભાગ્યવશ, આ તમામ પાકો હાલમાં સુકવેલા પૂળા અને લણણીના અંતિમ તબક્કામાં હતા, ત્યારે જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ધારાસભ્યએ આ પત્રમાં સ્પષ્ટ ભલામણ કરી છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને યોગ્ય વળતર કે સહાય ચૂકવવામાં આવે. તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ આ પત્રની નકલ રવાના કરીને ખેડૂતોની વ્યથા તરફ ધ્યાન દોર્યું છે. તૈયાર પાક બગડી જવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. અને હવે તેઓ સરકારના રાહત પેકેજની આશા રાખી રહ્યા છે. મહેસાણા ધારાસભ્ય ઉપરાંત બેચરાજી અને ઊંઝા ધારાસભ્ય એ પણ સીએમ ને લેખિત રજૂઆત કરી છે.