વંથલી તાલુકાના લુવારસર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર રેન્જ પોલીસ કચેરીની ટીમ ત્રાટકી
જુગાર રમતી મહિલાઓ સહિત ૯ ઝડપાયા : રોકડ, મોબાઈલ, વાહનો સહિત રૂા.૪.૮૯ લાખનો મુદામાલ જપ્ત
જૂનાગઢ તા. ર
વંથલી તાલુકાના લુવારસર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર રેન્જ પોલીસની કચેરીની ટીમે દરોડો પાડીને જુગાર રમતા મહિલાઓ સહિત ૯ ને
ઝડપી લઈ રૂા.૪.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી તાલુકાના લુવારસર ગામે રહેતા હરસુખ પોપટભાઈ હીરપરા પોતાના રહેણાંક મકાનમાં રમાડતા હોવાની બાતમી મળતા રેન્જ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી હરસુખ હીરપરા, તેનો પુત્ર ભાવિક, ભાવિન ચાવડા ચાવડા, રાહુલ કરમણ ચાવડા, ગોપાલ હરિભાઈ હીરપરા, ભાવેશ રત્નાભાઈ ચાવડા, ભનુ પરમાર, ગોગનભાઈ જલપાબેન હરિભાઈ આસોદરીયા અને નયનાબેન ઈન્દ્રવદન ટાંક સહિત શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૨,૦૪૦૫૦, ૭ મોબાઈલ ફોન અને ૩ વાહનો મળી કુલ રૂપિયા ૪.૮૯,૫૫૦નો મુદ્દામાલ કરી જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.
રાણપુરમાંથી ૬ પતાપ્રેમી પકડાયા, ૩ ફરાર
ભેસાણ તાલુકાના રાણપુર ગામના રાણવાડી પ્લોટ વિસ્તારમાં આવેલ મહેશ વજુ હરખાણીના રહેણાંક મકાન પર પોલીસે જુગાર અંગે દરોડો પાડી મકાનમાલિક મહેશ હરખાણી, ભાવેશ વિઠ્ઠલ પટેલ, હિરેન કલ્યાણ તારપરા, બ્રિજેશ કાળુ સાવલીયા, નિખિલ હરસુખ ઉસદડ અને રાજેન્દ્ર લાલજી મોણપરાને રમતા પકડી પાડ્યા હતા અને દાસ કોઠીયા, પંકજપ્રાગજી ઉસદડ અને પ્રભુ મનસુખ ઉસદડ નાસી છૂટયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા ૨૬,૧૦૦ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે.
ગલીયાવાડમાં વાડીએ જુગાર રમતા ૮ પકડાયા
જૂનાગઢના નવા નેશનલ હાઇવે નજીક આવેલા ગલીયાવાડ ગામના ચંદ્રેશ ઉર્ફે ચંદુ બાબુ દોંગાની વાડીમાં ચાલતા જુગાર અડ્ડા પર તાલુકા પોલીસે દરોડો પાડી ચંદ્રેશ ઉર્ફે ચંદુ તેમજ કિશોર કડવા ભુવા, જયકુશ નરસિંહ વોરા, પરસોત્તમ ભુરા રાદડીયા, કેનીલ કાંતી વીરડીયા, મનોજ રામજી ફલીયા ભાનુશાળી, યોગેશ પરસોત્તમ રાદડીયા અને જય ભાસ્કર ફલીયા ભાનુશાળીને પકડી પાડી રૂપિયા ૭૧,૧૩૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


