વાહ.. માટે પણ વડાપ્રધાનના નામે માંગવાના અને ભ્રષ્ટાચારના આક્ષેપ અને વિરોધ થાય તો છટકવાનું પણ વડાપ્રધાનના નામે
ભ્રષ્ટાચારનાં આક્ષેપો તો વડાપ્રધાન મોદી સામે પણ થાય છે : સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકરનો વિચિત્ર જવાબ !
જૂનાગઢ તા. ર
જૂનાગઢ શહેરમાં રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને આમજનતા લાંબા સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ દરમ્યાન ગઈકાલે જવાહર રોડ ઉપર સ્વામીનારાયણ મુખ્ય મંદિરથી સેજની ટાંકી સુધીનાં રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલા જૂનાગઢ મનપાનાં પદાધિકારીઓએ લોકોની ફરીયાદો અને રજુઆત સામે ઉધ્ધતાઈ પૂર્વકનું વર્તન કરવાનાં પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સારી કામગીરી તો કરવી નથી પરંતુ લોકો જયારે ફરીયાદ કરવા જાય છે ત્યારે લાજવાના બદલે જૂનાગઢ મનપાનાં શાસકો ગાજે છે તેને લઈને તીવ્ર આક્રોષ ફેલાયો છે. આ સાથે જ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેને ભ્રષ્ટાચારનાં આક્ષેપ સામે બચાવ રજુ કરતી વખતે એવો જવાબ આપ્યો કે ‘ભ્રષ્ટાચારનાં આક્ષેપો તો વડાપ્રધાન મોદી સામે પણ થાય છે’ તેવા આ નિવેદનને પગલે આ મુદો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
જૂનાગઢનાં જવાહર રોડ પર છેલ્લા બે માસથી રસ્તા અંગેની કામગીરી ચાલી રહી છે. અને હજુ પણ આ કામગીરીનો કોઈ ઉકેલ આવતો નથી તેવા સંજાેગોમાં ગઈકાલે જૂનાગઢ મનપાનાં કમિશ્નર તેજસ પરમાર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને પદાધિકારીઓ જયારે કામગીરીનાં નિરીક્ષણ માટે ઉપરોકત જગ્યાએ ગયા હતાં ત્યારે રસ્તાની કામગીરીથી ત્રાસી ગયેલા લોકો એકઠા થઈ ગયા હતાં અને ઉગ્ર રજુઆતો પણ થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે જયારે ભ્રષ્ટાચાર સહીતના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. તેમજ નબળી કામગીરી અને ધંગધડા વિનાના કામો બાબતે લોકોએ આડેહાથ લીધા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત એક કોર્પોરેટરે પોલીસની હાજરીમાં જ રજુઆત કરનારનો ઉધડો લીધો હતો. એવું કહયું હતું કે ‘તું મને ઓળખશ, હું કોણ છું’ તેમ જણાવી રજુઆત કરનારને ધમકાવ્યો હતો અને કહયું હતું કે આવી રજુઆત-બજુઆત કરવી નહી, તમારે જયાં જાઉં હોય ત્યાં જાઉ તેવા ઉધ્ધતાઈભર્યા વર્તનને પગલે લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોમાં એવો સવાલ ઉઠવા પામ્યો છે કે શું આટલા માટે જ ખોબલે ખોબલે મત આપી અને કોર્પોરેટર તરીકે ચુંટી આવ્યા છે. શું અમારે આવું જ સાંભળવાનું છે. જૂનાગઢ મનપાનાં ભાજપનાં ચુંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને હવે શરમ જેવું કઈ રહયું નથી. અને સાવ છેલ્લે પાટલે બેસી ગયા હોય તેવી સ્થિતિ જૂનાગઢમાં સર્જાઈ રહી છે. અને આવી સ્થિતિ દિવસે દિવસે અત્યંત વિકટ બની રહી છે ત્યારે જાે મનપાનાં શાસકો શાનમાં સમજી નહી જાય તો અને આટલેથી અટકશે નહી તો જૂનાગઢમાં હવે દરેક વિસ્તારોમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવશે અને કોર્પોરેટરો ઉપર રોષ ઠાલવે તો નવાઈ નહી તેવા દિવસો હવે દૂર નથી. ગઈકાલે બનેલા આ ઘટનાક્રમમાં એક મુદો એવો પણ બહાર આવ્યો હતો કે આજે સામાન્ય કોર્પોરેટરથી લઈ ધારાસભ્ય, સંસદ સભ્યને પણ ચુંટણી લડતી વખતે જયારે પ્રજા પાસે મત માગવા જાય છે ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગળ કરી અને મતો માંગે છે. અને લોકો પણ વડાપ્રધાનની કાર્યકુશળતાને ધ્યાને રાખી અને કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્યને ચુંટી કાઢતા હોય છે ત્યારે આવા ચુંટી કાઢેલા કોર્પોરેટરને સત્તા મળતા જ તેમનો મિજાજ સાતમા આસમાને પહોંચી જતો હોય છે તેવું ગઈકાલે બન્યું હતું. સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકરે ભ્રષ્ટાચારનાં આક્ષેપો સામે બચાવ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનાં આક્ષેપો તો વડાપ્રધાન મોદી સામે પણ થાય છે. સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનનાં આ નિવેદનને પગલે ભાજપનાં વર્તુળમાં પણ ભારે ચકચાર જાગી છે. તેમજ ભાજપ ઉચ્ચકક્ષાએ પણ આ નિવેદનની ગંભીર નોંધ લેવામાં આવી છે. દરમ્યાન ગઈકાલે જવાહર રોડ ઉપર મનપાનાં પદાધિકારીઓ સામે લોકોએ ઉગ્ર રજુઆતો કરી હતી અને એક તકે મામલો તંગ બન્યો હતો. આ તકે મનપાનાં કમિશ્નર તેજસ પરમારે વચ્ચે દરમ્યાનગીરી કરી અને લોકોને આશ્વાસન આપ્યું હતું કે ટુંક સમયમાં જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવતાં આખરે મામલો થાળે પડયો હતો.




