'બાલિકા પંચાયત' ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે : પાયાની વહીવટી પ્રક્રિયાઓ જાણી

અનૌપચારિક રીતે કાર્યરત બાલિકા પંચાયત દ્વારા દીકરીઓનું સશક્તિકરણ

'બાલિકા પંચાયત' ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે : પાયાની વહીવટી પ્રક્રિયાઓ જાણી

જૂનાગઢ તા.15
બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માળિયા હાટીનાના તાલુકાના અમરાપુર ગીર અને કેશોદ તાલુકાના મેસવાણ ગામ ખાતે 'બાલિકા પંચાયત'ની દીકરીઓના નેતૃત્વ સહિતના ગુણોના વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિ ઓ હાથ ધરવામાં આવી હતી.
કિશોરીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તે માટે મેસવાણ ગામની બાલિકા પંચાયતની દીકરીઓએ સ્થાનિક ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. અહીં સરપંચ અને તલાટી-કમ-મંત્રી દ્વારા દીકરીઓને પંચાયતના કાર્યો, ગ્રામસભાનું મહત્વ, સરકારી યોજનાઓનું અમલીકરણ અને જન્મ-મરણ નોંધણી જેવી પાયાની વહીવટી પ્રક્રિયાઓ વિશે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
આ જ રીતે, અમરાપુર ગામની બાલિકા પંચાયત ટીમે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની મુલાકાત લીધી હતી, જ્યાં તબીબો અને સ્ટાફ દ્વારા સરકારી આરોગ્ય સુવિધાઓ, મફત નિદાન-દવાઓ અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની વિસ્તૃત માહિતી અપાઈ હતી. સાથે જ કિશોરીઓને પોષણયુક્ત આહાર, એનીમિયા (લોહીની ઉણપ) નિયંત્રણ અને વ્યક્તિગત સ્વચ્છતા રાખવા માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયત સ્તરે 14 થી 20 વર્ષની કિશોરીઓને વહીવટી, તબીબી અને સામાજિક ક્ષેત્રે સ્વનિર્ભર તેમજ જાગૃત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતની દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહત્વનું છે કે, બાલિકા પંચાયત એ એક બિન-રાજકીય અને અનૌપચારિક મંચ છે, જે સ્થાનિક નિર્ણયો લેવામાં તેમજ દીકરીઓના સર્વાંગી વિકાસ, પોષણ, શિક્ષણ, સલામતી અને સશક્તિકરણ જેવા પાયાના પ્રશ્નોના નિરાકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
સમાજમાં દીકરીઓનું સન્માન વધે તે માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ ગામમાં જન્મેલી નવજાત દીકરીઓની માતાઓનું સન્માન કરી તેમને "દીકરી વધામણા કીટ" અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સરકારી સંકુલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીકરીઓએ વાવેલા છોડના ઉછેર અને રક્ષણની જવાબદારી સ્વીકારીને ગ્રીન ઈન્ડિયાના સપનાને સાર્થક કરવા સંકલ્પ લીધો હતો.
આત્મનિર્ભરતા અને સામાજિક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને આત્મનિર્ભર અને જાગૃત બનાવવાનો છે, જેથી એક દીકરી શિક્ષિત અને જાગૃત બનતા આખો પરિવાર અને સમાજ સશક્ત બને. આ તકે DHEW -જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રમાંથી ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર કૃપાબેન ખુંટ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ મીનાક્ષીબેન ડેર, OSC-વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર તેમજ આંગણવાડી વર્કર બહેનો અને બાલિકા પંચાયતની ટીમ ઉપસ્થિત રહી હતી.