શિક્ષણક્ષેત્રે ગૌરવભરી સિદ્ધિ: નીરૂબેન મહિડાને તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ
જૂનાગઢ તા.૭
જુનાગઢમાં ૫ સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ જુનાગઢ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શિક્ષણક્ષેત્રે નિષ્ઠા, સમર્પણ અને સતત મહેનતનું ગૌરવભર્યું સન્માન થયું છે. શ્રી શોભાવડલા(લશ્કર) પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનશ્રી નીરૂબેન કનુભાઈ મહિડાને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નોંધપાત્ર યોગદાન બદલ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેર પર્સન હર્ષાબેન સવસાણી, ડીઈઓ લતાબેન ઉપાધ્ય, જૂનાગઢ પ્રાંત અધિકારી વૃશાલી કાંબલે, વિસાવદર પ્રાંત અધિકારી ચિરાગ હીરવણીયા, ડીવાયએસપી ધાંધલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નીરૂબેનનું સન્માન ડીવાયએસપી ધાંધલિયાના હસ્તે મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર અને ડીઈઓ લતાબેન ઉપાધ્યાય દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું., વિદ્યાર્થીઓને માત્ર પાઠયપુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ જીવનમૂલ્યો, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કરવામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. નવીન શિક્ષણ પદ્ધતિઓ, રમત-ગમત દ્વારા શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના તેમના પ્રયાસોને સૌ તરફથી પ્રશંસા મળી છે.
બહેનશ્રી રોજિંદી શૈક્ષણિક પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડે છે અને તેમના કામથી બીજા શિક્ષકો પણ પ્રવૃતિ કરવા પ્રેરાય છે.,આ એવોર્ડ તેમના ૯ વર્ષના નિષ્ઠાપૂર્વકના શિક્ષણકાર્યની સાચી કદર અને સન્માનનું પ્રતીક બની રહ્યો છે.


