સગીરાઓને ટાર્ગેટ કરનાર રીઢો આરોપી ઝડપાયો
પોક્સો કેસમાં ધરપકડ, અગાઉ મળેલા જામીન રદ કરાવવા પોલીસની કાર્યવાહી શરૂ
જૂનાગઢ તા.12
જૂનાગઢ શહેરમાં સગીરાની જાતીય સતામણીના એક ગંભીર કેસમાં એ-ડિવિઝન પોલીસે રીઢા આરોપીની ધરપકડ કરી છે. આરોપી અવેશ મકરાણી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
માહિતી મુજબ, સુખનાથ ચોક વિસ્તારમાં રહેતો 21 વર્ષીય અવેશ મકરાણી એક સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરતો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) તેમજ પોક્સો એક્ટની કલમ 8 અને 12 હેઠળ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ, આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં સંડોવાઈ ચૂક્યો છે. તેના વિરુદ્ધ અગાઉ પણ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ હતી અને તે પોક્સો કોર્ટમાંથી જામીન પર મુક્ત થયો હતો.
જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર સમાન પ્રકારનો ગુનો આચરતા પોલીસે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં તેના અગાઉના જામીન રદ કરવા માટેનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુખનાથ ચોક અને આસપાસના વિસ્તારોમાં રહેતી સગીરાઓને નિશાન બનાવી જાતીય સતામણી કરતો હતો. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.


