જૂનાગઢમાં કેન્સર પીડિત મહિલાના સોનાનાં દાગીનાની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢના મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં કેન્સર પીડિત મહિલાના બંધ મકાનનું તાળું તોડી રૂા. ૩,૮૪,૦૦૦ ની મત્તાની ઘરફોડ ચોરી આચરનાર બે આરોપીઓ આકાશ ચૌહાણ અને વિજય સોલંકીને સી-ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. ચોરાયેલો મુદ્દામાલ વેચવા ગયેલા આરોપીઓની શંકાસ્પદ હિલચાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સોની બજારના વેપારી ડેનિશ લાઠીગરાની સતર્કતાને કારણે પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, સવારે ૯:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરિયાદી ભારતીબેન કશ્યપભાઈ ભટ્ટ જેઓ કો-ઓપરેટિવ બેંકમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ નોકરી પર હતા, ત્યારે તેમના ઘરનો દરવાજાે તોડી અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. કબાટ અને તિજાેરીમાંથી ૮ ગ્રામનું મંગળસૂત્ર, ૧૩ ગ્રામની ફેન્સી સોનાની ચેઈન, ૫ ગ્રામની પટ્ટી ટાઈપની ચેઈન અને રૂા.૧૮,૦૦૦ રોકડા મળી કુલ રૂા.૩,૮૪,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદીના પતિનું કેન્સરથી અવસાન થયેલું છે અને તેઓ પોતે પણ કેન્સર પીડિત છે. દરમ્યાન ચોરીના બનવાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમ્યાન જૂનાગઢ ‘એ‘ ડિવિઝન દ્વારા સોની બજારમાં ઘરેણાંના ફોટા મોકલી વેપારીઓને સતર્ક કરાયા હતા. જ્યારે આરોપીઓ ચોરાયેલા સોનાનો મુદ્દામાલ વેચવા માટે સોની બજારમાં ગયા ત્યારે તેમની શંકાસ્પદ હિલચાલ અને મુદ્દામાલ વેચવા ગયેલા આરોપીઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સોની બજારમાં રહેતા ડેનિશ ધીરેનકુમાર લાઠીગરાની સતર્કતાને લીધે આરોપી ઓળખાઈ ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાગીના વેચવા આવેલા વિજય મુકેશભાઈ સોલંકી અને મુખ્ય આરોપી આકાશ ભીખાભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ પૈકી મુખ્ય આરોપી આકાશ ચૌહાણ (મૂળ યુ.પી., હાલ રાજકોટ ગ્રામ્ય) વિરુદ્ધ UPમાં NDPS અને જૂનાગઢમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે, જ્યારે વિજય સોલંકી (રહે. જેતપુર) વિરુદ્ધ ૨૦ થી વધુ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આરોપીઓ દિવસ દરમ્યાન બંધ મકાનોની રેકી કરી ડિસમિસ વડે તાળું તોડી ચોરી કરતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂા.૩,૬૭,૬૫૦ નો મુદ્દામાલ (જેમાં ૨ સોનાની ચેઈન, ૧ મંગળસૂત્રનો ઢાળીયો અને રૂા.૭,૬૫૦ રોકડા) રિકવર કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.


