બોગસ શિક્ષકો અને લાંચ કૌભાંડને પગલે જૂનાગઢની નોબલ આયુર્વેદીક કોલેજની માન્યતા રદ : શૈક્ષણિક વર્તુળમાં ભારે ચકચાર
અધવચ્ચે કોલેજની માન્યતા રદ થતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું શું ? ઉઠતો સવાલ
જૂનાગઢ તા. ૧૯
બોગસ શિક્ષકો અને લાંચ કૌભાંડને પગલે નેશનલ કમિશન ફોર ઈન્ડીયન સીસ્ટમ ઓફ મેડીશીયનનાં મેડીકલ એસેસમેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ દ્વારા જૂનાગઢની જાણીતી શૈક્ષણીક સંસ્થા નોબલ આયુર્વેદીક કોલેજની માન્યતા રદ કરી નાખવામાં આવતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. ગુજરાતની ૭ સહીત દેશની ૪૮ કોલેજાેની મંજુરી રદ કરવાનાં આ પગલાને એનસીઆઈએસએમનું મોટુ પગલુ ગણવામાં આવી રહયું છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢની નોબલ આયુર્વેદીક કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટની શૈક્ષણિક વર્ષ ર૦ર૬-ર૭ માટે ૧૦૦ બીએએમએસ બેઠકોની મંજુરી રદ કરવામાં આવી છે. આ કોલેજમાં ૧૩ બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને અનુકુળ ચકાસણી રીપોર્ટ આપવા માટે રૂા. ૧૦ લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એનસીઆઈએમએસની હીયરીંગ કમીટીનાં સભ્ય ડો. રૂપાલી મહાડીકને તપાસ સોંપાતા કોલેજનાં ડો. અભય નાલવડે અને ટ્રસ્ટી પ્રતિક મોરીએ તેમને રૂા. ૧૦ લાખની લાંચની ઓફર કરી હતી. આ અંગે પુરાવા એકઠા કરી એનસીઆઈએમએસનાં પ્રમુખ ડો. મુકુલ પટેલની સુચનાથી દિલ્હી સીબીઆઈમાં ફરીયાદ નોંધાવાઈ હતી. સીબીઆઈ દ્વારા ભારતીય ન્યાયસંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનાહીત ષડયંત્રની ફરીયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ તપાસ બાદ નોબલ આયુર્વેદીક કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ જૂનાઢ પાર્થવાટીકા, ભેંસાણ રોડ, બામણગામ નજીક આવેલી આ કોલેજની ૧૦૦ બીએસએમ બેઠકની માન્યતા રદ કરી નાખવામાં આવતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
આ ઉપરાંત કોલેજની માન્યતા રદ થતાં હાલ આ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું શું ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.
|
|
ગીરનારી દાદાની એવી કૃપા છે કે,સવારે પાપ કરો અને સાંજે ભોગવવાનું એની મેળે કુદરત એનો હિસાબ કરે છે : ગીરીશ કોટેચા જૂનાગઢ મનપાનાં પૂર્વ ડે. મેયર તેમજ નોબલ યુનિવર્સિટીનાં ટ્રસ્ટી ગીરીશ કોટેચા જયારે પણ કોઈ પ્રસંગે બોલવાનું થાય અને ઉદ્બોધન કરવાનું થાય ત્યારે તેઓ હંમેશા કહે છે કે, ગીરનારી દાદાની એવી કૃપા છે કે, સવારે પાપ કરો અને સાંજે ભોગવવાનું... એની મેળે કુદરતનો એનો હિસાબ કરે છે તેવું વારંવાર પોતાના નિવેદનમાં ગીરીશ કોટેચા દર્શાવે છે ત્યારે તેમની આ વાણી આજે સત્ય સાબીત થઈ છે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે. |



