પરીક્ષામાં ચેટજીપીટીનો ઉપયોગ કર્યાનો આરોપ લાગતા મુંબઈ આઈઆઈટીના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
(એજન્સી) મુંબઈ, તા.૧૯:
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સંસ્થાના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા બીજા વર્ષના એક વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, શુક્રવારે ચાલુ પરીક્ષા દરમિયાન આ વિદ્યાર્થી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. તેણે પરીક્ષાનું પ્રશ્નપત્ર ChatGPT
પર અપલોડ કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વહીવટીતંત્ર દ્વારા તેની સામે કોઈ શિસ્તભંગની કે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સંબંધિત પ્રશિક્ષક અને વિભાગના વડાએ તેને બોલાવીને સમજાવટ કરી હતી, તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ત્યાંથી પરત ફર્યા બાદ વિદ્યાર્થી હોસ્ટેલ નંબર ૪ માં આવેલા પોતાના રૂમમાં ગયો હતો. સાંજે ચાર વાગ્યા સુધીની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. તે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પવઈ પોલીસ સ્ટેશનની ટીમ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


