દેવભૂમિ દ્વારકામાં ઓખા તથા ભાણવડ નગરપાલીકાની ૧૧મી ઓકટોબરે ચૂંટણી : રાજકીય ધમધમાટ શરૂ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૮
રાજય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની નગરપાલીકા તથા જિલ્લા પંચાયતોની પેટા તથા સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થઈ છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા તથા ભાણવડ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી તથા ભાડથર જિ.પં.ની બેઠકની પેટા ચૂંટણીનો સમાવેશ થયો છે. જિલ્લાની ઓખા તેમજ ભાણવડ નગરપાલીકા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાતા આગામી ૧૧મી ઓકટોબરે મતદાન તેમજ ૧૩ ઓકટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે. બંને નગરપડીકાના ચૂંટણીની તારીખો જાહેર થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે અને જિલ્લાની બન્ને નગરપાલીકા સંલગ્ન રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. ટીકીટો મેળવવા અમૂક લોકોએ લોબીંગ શરૂ કર્યાનું પણ જાણવા મળે છે. આ અંગે ૨૧મી સપ્ટેમ્બરે જાહેરનામું પ્રસિધ્ધ કરાયા બાદ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે. તા.ર૬ સપ્ટે. સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તા.૧૧મી ઓકટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ૧૩ ઓકટોબરના મતગણતરી બાદ પરિણામો જાહેર થશે.


