વેરાવળ-સોમનાથમાં "અગલે બરસ તુ જલ્દી આના"ના નારા સાથે ભક્તોએ ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપી
૩૦૦થી વધુ મૂતિર્ઓનું વાજતે ગાજતે દરિયામાં આસ્થાભેર વિસર્જન કરાયું : ખારવા સમાજની વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૧૯
યાત્રાધામ નગરી વેરાવળમાં પાંચ દિવસ સુધી ભક્તિ અને ધામિર્ક માહોલ વચ્ચે ઉજવાયેલા ગણેશોત્સવના આજે વિસર્જન સાથે સમાપન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલી ૩૦૦ થી વધુ ગણપતિજીની મૂતિર્ઓની વાજતે-ગાજતે સામૂહિક વિસર્જન યાત્રા યોજાઈ હતી.
‘ગણપતિ બાપા મોરિયા’ અને ‘અગલે બરસ તુ જલ્દી આના’ના નારા સાથે ભક્તોએ વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી હતી. વેરાવળ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્થાઓ, ગણેશોત્સવ મંડળો અને પરિવારો દ્વારા પાંચ દિવસ અગાઉ એકથી ચાર ફૂટ સુધીની ગણપતિજીની મૂતિર્ઓની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ દરમિયાન પૂજા-અર્ચના સહિતના ધામિર્ક કાર્યક્રમો યોજાયા હતા. આજે બપોર બાદ સતિમાં ગ્રુપ, ગણેશ મિત્ર મંડળ, તપેશ્વર મિત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના અષ્ટવિનાયક ગ્રુપ સહિતના મંડળોની મૂતિર્ઓ સાથે વિસર્જન યાત્રાઓ નીકળી હતી.
ડીજેના તાલે ભક્તિગીતો સાથે યુવાનો અને ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિવિધ સ્થળોથી નીકળેલી યાત્રાઓ ટાવર ચોક ખાતે એકત્ર થઈ હતી. અહીં હિન્દુ સમાજના આગેવાનો દ્વારા ગણેશોત્સવ મંડળો અને મૂતિર્ઓનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મૂતિર્ઓ સાથે સામૂહિક યાત્રા ગૌરવપથ પરથી પસાર થઈ બંદર ખાતે પહોંચી હતી. વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો સુરક્ષિત રીતે મૂતિર્ઓનું વિસર્જન કરી શકે તે માટે ખારવા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે ૩૦ જેટલા સ્વયંસેવકોની ટીમ તૈનાત રહી હતી.
બંદર કિનારે આશરે ૧૦ નાની હોડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. હોડી અને તરાપાની મદદથી મૂતિર્ઓને દરિયામાં થોડે દૂર લઈ જઈ વારાફરતી વિસર્જન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસની ઉજવણી બાદ ગણપતિજીની મૂતિર્ સાથે દરિયાકાંઠે પહોંચેલા ભક્તોમાં વિદાયની લાગણી જોવા મળી હતી. ‘અગલે બરસ તુ જલ્દી આના’ના નારા સાથે ભક્તોએ પ્રાર્થના કરી વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી હતી. વિસર્જન યાત્રાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, સર્વેલન્સ સ્ક્વોડ તથા ટ્રાફિક બ્રાન્ચના જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ વેરાવળના ટાવર ચોક ખાતે રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા ખારવા સમાજના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ગણેશોત્સવ મંડળોના સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યા હતા.


