સુરતની રાજ ટેકસટાઈલ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળતા ર૦ દુકાનો ખાખ
(બ્યુરો) સુરત તા.૧૦
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સાત માળની ‘રાજ ટેક્સટાઇલ માર્કેટ‘માં સવારે ૭ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો.ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે. જોકે સિન્થેટીક કાપડ નો જથ્થો હોવાથી કુલિંગની કામગીરી કલાકો સુધી ચાલે તેવી શક્યતાઓ છે. પ્રાથમિક માહિતી મુજબ, આગની શરૂઆત માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટન વાયરીંગમાંથી થઈ હતી. આ આગ જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને વાયરીંગ વાતે માર્કેટના સાતમા માળ સુધી પ્રસરી ગઈ હતી. આ ભીષણ આગના કારણે માર્કેટની ૨૦થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. કાપડ બજારની દુકાનોમાં આગ લાગતા નુકસાનનો આંકડો મોટો હોવાની સંભાવના છે.


