સતત બીજા દિવસે માર્કેટમાં અફરાતફરી : શેરબજાર, સોનુ, ચાંદી, રૂપિયો ધડામ
સેન્સેક્સમાં ૭૦૦ પોઈન્ટનું ગાબડુ : સોનામાં રૂા.૭૩પ, ચાંદીમાં રૂા.રર૭૦નો કડાકો : રોકાણકારોના વધુ ચાર લાખ કરોડ સ્વાહા
(એજન્સી) મુંબઈ, તા.૨૯
વૈશ્વિક ઘટનાક્રમોથી મંદીમાં ધકેલાયેલા શેરબજાર, સોના-ચાંદી તથા કરન્સી માર્કેટમાં સતત બીજા દિવસે કોહરામ મચ્યો હતો. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધુ ૭૦૦ પોઇન્ટ ગબડતા ઇન્વેસ્ટરોના ચાર લાખ કરોડ ડુબ્યા હતા. સોનુ ૧.૫૦ લાખથી નીચે સરકી ગયું હતું. રૂપિયામાં ૯૬૭ લેવલ તૂટવા સાથે બે માસના તળીયે સરક્યો હતો.
શેરબજારમાં સોમવારનું પુનરાવર્તન થયું હોય તેમ શરૂઆત સાવચેતીથી થયા બાદ આક્રમક વેચવાલીના મારાથી માર્કેટ ગગડવા લાગ્યું હતું. વૈશ્વિક ઘટનાક્રમો જ ભાગ ભજવતા રહ્યા હતા. મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે યુધ્ધસંધિ થવાની આશા ધૂંધળી થતા ગભરાટ હતો. ક્રૂડતેલના ભાવ સળગતા હોવાનો ખચકાટ હતો.
અમેરિકી ૧૦ વર્ષનું બોન્ડ પીલ્ડ ૫.૨૫ તથા ૩૦ વર્ષનું ૫.૭ ટકાએ પહોંચતા ગભરાટ વકર્યો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની આક્રમક વેચવાલીની પણ વિપરીત અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે લોકલથી માંડીને વૈશ્વિક પરિબળો માર્કેટને ધ્રૂજાવી રહ્યા છે. ટૂંકાગાળા માટે અનિશ્ચિતતાનો ઘેરો દુર થાય તેમ નથી.
શેરબજારમાં આજે ડો. રેડ્ડી, મેનકાઇન્ડ ફાર્મા, બીએસઇ, પીએનબી, ઝાયડસ, રિજન્સી સિરામીક, તામીલ ટેલી વગેરેમાં સુધારો હતો. યુનાઇટેડ સ્પીરીટ, જ્યુબીલ્ટ ક્રૂડ, એથર એનર્જી, રેલવિકાસ એચડીએફસી બેંક, રીલાયન્સ, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, વોડાફોન, યસ બેંક, સુઝલોન, કેનેરા બેંક, બ્લુડાર્ટ, રામકો સિમેન્ટ, પતંજલી, ટાટા કેપીટલ તૂટ્યા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ ૬૧૪ પોઇન્ટ તૂટીને ૭૨૧૫૭ હતો તે ઉંચામાં ૭૨૬૮૪ તથા નીચામાં ૭૨૦૬૪ હતો. નિફટી ૧૮૧ પોઇન્ટ ગગડીને ૨૨૫૯૮ હતો. તે ઉંચામાં ૨૩૭૫૩ તથા નીચામાં ૨૨૫૬૯ હતો.
આ ઉપરાંત સોના-ચાંદી વધુ તૂટ્યા હતા. વાયદામાં સોનુ ૭૩૫ ઘટીને ૧૪૬૦૬૫ તથા ચાંદી ૨૨૭૦ તૂટીને ૨૨૫૧૭૦ હતી. ડબલ્યૂટીઆઇ ક્રૂડ ૯૪.૧૩ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ ૧૦૭ ડોલર હતું.
કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ૧૩ પૈસી ગગડીને ૯૬.૧૨ થયો હતો.


