સાળંગપુરધામમાં પુરૂષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર : 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક માસ સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.30
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર ‘અધિક જેઠ માસ‘ એટલે કે ‘પુરૂષોત્તમ માસ‘ નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવાઅંતર્ગતપ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ 30-05-2026, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના ચરણોમાં 108 કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શનિવારના દિવસે વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 07:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ ‘શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા. 17 મે થી શરૂ છે જે તા.15 જૂન 2026 સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે 09:00 થી 12:00 અને બપોર પછી 03:00 થી સાંજના 06:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે. મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


