વેરાવળ-સોમનાથમાં ૪, કોડીનાર-સુત્રાપાડામાં ૩ ઈંચ વરસાદ વરસ્યો

0

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી સાવર્ત્રિક મેઘાવી માહોલ વચ્ચે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહયો છે. જેમાં સૌથી વધુ વેરાવળમાં ૪ ઈંચ તો કોડીનાર – સુત્રાપાડામાં ૩ ઈંચ જયારે ઉના, ગીરગઢડા, તાલાળા ગીરમાં છૂટાછવાયો એકાદ ઈંચ જેવો વરસાદ વરસ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લામાં ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતરો પાણીથી લથબથ થઈ ગયા હોવાથી હવે પછીના વરસાદના લીધે મગફળી સહિતના પાકોને નુકસાન પહોંચવાની ભિતીથી જગતનો તાત ચિંતિત બન્યો છે. ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહ્યો છે. દરમ્યાન ગઈકાલે સવારે પાંચેક વાગ્યાથી સમગ્ર જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના છ તાલુકાઓમાં ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ધીમીધારે વરસી રહેલ અવિરત વરસાદમાં સૌથી વધુ વેરાવળમાં ૯૯ મીમી (૪ ઈંચ), કોડીનારમાં ૭૪ મીમી (૩ ઈંચ), સુત્રાપાડામાં ૭૦ મીમી (૩ ઈંચ), ઉનામાં ૧૫ મીમી (અડધો ઇંચ) ગીરગઢડામાં ૨૨ મીમી (૧ ઈંચ) અને તાલાલા ગીરમાં ૧૦ મીમી (અડધો ઈંચ) જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લા મથક વેરાવળ સોમનાથમાં છેલ્લા ચાર દિવસથી સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી પાલીકાનું સફાઈ કાર્ય અટકી પડ્યું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જાેવા મળી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાં અને રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાવવાની સાથે ગટરો ઉભરાઈ જતા રાહદારીઓને પગપાળા નીકળવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિ ત્રણેક દિવસથી સર્જાતી હોવા છતાં તેનો કોઈ ઉકેલ પાલીકા તંત્ર કામ કરતું હોય તેવું જાેવા મળતું નથી. જેના કારણે લોકોમાં પણ પાલીકા તંત્ર સામે નારાજગી જાેવા મળી રહી છે. તો ચાર દિવસથી વરસાદી માહોલના કારણે બજારોમાં પણ સુસ્તી અને રજા જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ગઈકાલે સવારથી ફરી શહેરમાં મેઘરાજાએ મુકામ કરી ૪ ઈંચથી વધુ વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં અનેરી ઠંડકનો અહેસાસ લોકો કરીને ઘરોમાં કેદ થવા મજબુર બન્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા સાવર્ત્રિક ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા ગયેલા જાેવા મળી રહ્યા છે. ત્યારે સતત વરસાદના પગલે ખેતરોની જમીનમાં અમુક જગ્યાએ તો પાણી ફુટી રહ્યા છે. આ બંને પરિસ્થિતિના પગલે જિલ્લામાં ખેડૂતોએ મહેનત કરીને વાવણી કરેલા મગફ્ળી, કપાસ, એરંડા, સોયાબીન, જૂવાર બાજરી સહીતના પાકોને આ સતત પડી રહેલા વરસાદે ભારે નુકશાન કરી રહ્યાનું ખેડુતો જણાવી રહ્યા છે. આ પરિસ્થિતિના લીધે ચિંતાતુર જગતનો તાત મેઘરાજાને ખમૈયા કરી ઉઘાડ કરવા વિનવણી કરી રહ્યો છે. સતત વરસાદના પગલે જિલ્લાના ગીરગઢડા પંથકમાં આવેલ રાવલ ડેમ ફરી ઓવરફ્લો થતા ડેમના ૬ પૈકીના ૪ દરવાજાઓ બે બે ફુટ ખોલવામાં આવ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા ડેમ હેઠળ આવતા ગીરગઢડા પંથકના નિચાણવાળા ૧૨થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ચિખલ કુબા, ધોકડવા, પાતાપર, ઉમેજ, ગાગડા, ગરાળ, કાણકબરડા, માણેકપુર, ખત્રીવાડા, સનખડા જેવા ગામોને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોય નદીના પટમાં ન આવવા સૂચના આપી છે.

error: Content is protected !!