‘‘અમૃત આવાસોત્સવ’’ : પડધરી તાલુકાના ઉકરડા ખાતેથી વડાપ્રધાનના ઓનલાઇન કાર્યક્રમમાં સામેલ થતા લાભાર્થીઓ અને ગ્રામજનો

0

આજે ઘરની સાથે ખુશીઓની પણ ચાવી મળી છે : લાભાર્થી લાભુબેન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓનલાઇન ‘‘અમૃત આવાસોત્સવ’’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પડધરી તાલુકાના ઉકરડા ગામની પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું, જેમાં પડધરી તથા ઉકરડાના આવાસ યોજનાના બે લાભાર્થીઓ તથા ગ્રામજનો જાેડાયા હતા. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં રૂા.૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨૪૪૧ આવાસોના ગૃહ પ્રવેશના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂા.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જે અન્વયે ઉકરડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. ઉકરડા સમરસ ગામના સરપંચશ્રી જેરામભાઈ વૈષ્ણવએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યસરકારએ ઉકરડા ગામમાં વિવિધ વિકાસ કામો કર્યા છે. જેમાં ગામની પ્રથામિક જરૂરિયાતો અને માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને ગામના વધુ વિકાસ માટે સક્રિય બનવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ તકે તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ મનાતે ઉપસ્થિત ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી તેમજ આ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. ખેતીવાડી વિસ્તરણ અધિકારીશ્રી ભવાનજીભાઇ પિતરાદ્રીએ કાર્યકમમાં ભાગ લેનાર તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં આવાસના લાભાર્થીનો ગૃહ પ્રવેશ ધાર્મિક વિધિ સાથે કરાવાયો હતો. આ પ્રસંગે વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થી રાણાભાઈના ધર્મપત્ની લાભુબેને જણાવ્યું કે, મજુરીકામ કરી પેટિયું રળતા પરિવારના નવ સભ્યો અગાઉ છાપરાવાળા મકાનમાં રહેતા હતા, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે તેઓને પાકા મકાન મળ્યા બાદ હાલ અમે પાકા મકાનમાં રહેવા આવ્યા છીએ, જેનાથી અમારી તકલીફોનો અંત આવશે. ઘરના પુરૂષો વરસના પાંચ થી છ મહિના કામ અર્થે બહારગામ હોઇએ ત્યારે ઘરની મહિલાઓ અને બાળકોની સ્થિતિ વિષે સતત ચિંતા રહેતી, પરંતુ હવે આવાસ યોજના અંતર્ગત પાકું મકાન મળી જતા આ બધી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. તેમજ અમને અમારા પરિવારની ચિંતા હવે નહીં રહે. લાભુબેને ઘરના ઘરમાં કુંભ અને લક્ષ્મીજીનું સ્થાપન કરી ગૃહપ્રવેશ કર્યો હતો. અને ઉમેર્યું હતું કે, આજે ‘‘ઘરના ઘર’’ની જ ચાવી નથી મળી, પણ જીવનમાં ખુશીઓની પણ ચાવી મળી છે, તે બદલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. આ પ્રસંગે ઉકરડા ગામના બે લાભાર્થીઓ રાણાભાઇ ડાભી અને હબીબશા કુરેશી, ઉકરડાના તલાટી મંત્રી કે.પી.રાઠોડ, વિસ્તરણ અધિકારી રાઠોડ, ગ્રામ સેવક રાજદિપસિંહ ગોહિલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!