જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ઇંચથી વધુ વરસાદ પડતા જિલ્લામાં મેઘ તાંડવ જેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુર ગામમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે રોડના કારણે પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેને કારણે ડુંગરપુરના સ્થાનિકોએ રોડ ચકાજામ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મામલે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી કોઈ પણ નિરાકરણ ન આવતા ન છૂટકે લોકોએ રોડ ઉપર ઊતરી ચકાજામ કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ મૈતરે જણાવ્યું હતું કે, ડુંગરપુરમાં પાણી ઘૂસવા મામલે જૂનાગઢ તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સદસ્યોસ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા વારંવાર રજૂઆત રજૂઆતો કરેલી છે. આ વિસ્તારમાં ઘણી જગ્યાએ પ્રાઇવેટ ગટરો કરવામાં આવેલી છે. ઘણા લોકોને વ્યક્તિગત લાભ આપવા માટે અહીં આર એન બી દ્વારા ગટરો બનાવવામાં આવી છે. માત્ર ગરીબ લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આખરે આ પ્રશ્નો નિકાલ ન થતા આ વિસ્તારમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે અહીં રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. ડુંગરપુરમાં ઘણા વિસ્તારોમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરી, અનાજ સહિત માલ સામાન બગડ્યો છે. ત્યારે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં પણ રજૂઆતને ધ્યાને ન લેતા ડુંગરપુરના અનેક વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે ના છૂટકે ડુંગરપુરના સ્થાનિકો રોડ ઉપર ઉતરી ચક્કાજામ કર્યો છે. જૂનાગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ પરમારે જણાવ્યું હતું કે, ડુંગરપુર ગામે ૧૯૯૬થી ૧૦૦ ચોરસ પ્લોટમાં લોકો રહે છે. સરકાર દ્વારા મંજૂર કરાયેલી આવાસ યોજનામાં પરિવારો વસવાટ કરે છે. જરા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાતા અગાઉ સ્વખર્ચે પાણીની મોટર મૂકી આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે મામલે વારંવાર સ્ટેટ હાઇવે ઓથોરિટીને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને છેલ્લે જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડતા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે. ત્યારે આ મામલે કોઈ નિરાકરણ ન આવતા જૂનાગઢથી ડુંગરપુર જતા રસ્તા ઉપર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ આર એન બીના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ડુંગરપુરનો જે અસરગ્રસ્ત વિસ્તાર છે તે રોડથી ખૂબ જ ઊંડાણમાં આવેલો છે. આ વિસ્તાર રોડથી ૩૦૦ મીટર અંદર આવેલો છે. તે વિસ્તાર નજીક તળાવ અને એક ટેકરો આવેલો છે જેનું પાણી આ વિસ્તારમાં આવે છે. છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારમાં જે પાણીનો નિકાલ થતો હતો તે નાળુ બંધ છે. હાલમાં આ વિસ્તારમાં ડીવોટરીંગની કામગીરી શરૂ છે અને વહેલા તે પહેલાના ધોરણે આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ પણ થઈ જશે.